આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

अधिपति : તમે શાંતિ જુઓ તો ભલે. હું તો શાન્તિસુખ જોતો નથી.

वाचक : ત્યારે ઠગ, પીંઢારા, ભીલ વગેરે જે ત્રાસ ઉપજાવતા હતા તે તમારે હિસાબે કંઈ હરકત જેવું નહોતું!

अधिपति : તમે જરા વિચારી જોશો તો માલૂમ પડશે કે તેઓનો ત્રાસ માત્ર નજીવો હતો. જો તેઓનો ત્રાસ ખરો જ હોત તો પ્રજા જડમૂળથી ક્યારની નાશ પામી હોત. વળી હાલની શાંતિ તો માત્ર નામની જ છે. હું એમ કહેવા માગું છું કે આપણે તે શાંતિથી નામર્દ, બાયલા અને ભીરુ બની ગયા છીએ. ભીલ-પીંઢારાનો સ્વભાવ અંગ્રેજે ફેરવ્યો છે એમ માની લેવાનું નથી. આપણને તેવી જાતની પીડા હોય તે સહન કરવા જેવું છે, પણ બીજા

૬૪