આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

માણસ તે પીડામાંથી આપણને બચાવે તે તદ્દન હીણપત ઉપજાવનારું છે. આપણે અબળા બનીએ તેના કરતાં ભીલનાં તીરકામઠાંથી મરવું એ મને વધારે પસંદ છે. તે સ્થિતિમાં જે હિંદુસ્તાન હતું તે હિંદુસ્તાન જુદા જ જુસ્સાનું હતું. મૅકૉલૅએ હિંદીને નામર્દ ગણેલા તે તેની અધમ અજ્ઞાન દશા સૂચવે છે. હિંદી બાયલા કદી હતા જ નહીં. જાણજો કે જે દેશમાં પહાડી લોકો વસે છે, જેમાં વાઘવરુ વસે છે, તે દેશમાં રહેનારા માણસો જો ખરેખરા બીકણ હોય તો તેમનો નાશ જ થાય. તમે કોઈ દિવસ ખેતરોમાં ગયા છો? તમને હું ખાતરીપૂર્વક કહું છું કે ખેતરોમાં આપણા ખેડૂતો નિર્ભય થઈને આજ પણ સૂએ છે; ત્યારે ત્યાં અંગ્રેજ અને તમે સૂવાની આનાકાની કરશો. બળ તે નિર્ભયતામાં રહ્યું છે; શરીરમાં માંસના લોચા બહુ હોવામાં બળ નથી, એ તમે થોડો જ ખ્યાલ કરશો તો જાણી લેશો.

૬૫