આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રજા માનતા થયા ને રેલવેથી આપણે એક-પ્રજાનો ખ્યાલ પાછો લાવતા થયા છીએ એમ માનો તો મને બાધ નથી. અફીણી કહી શકે છે કે અફીણના ગેરફાયદાની આપણને ખબર પડી, વાસ્તે અફીણ એ સારી વસ્તુ છે. આ બધું તમે ખૂબ વિચારજો. તમને હજુ શંકાઓ ઊઠશે. પણ તે બધીનો નિર્ણય તમારી મેળે તમે કરી શકશો.

वाचक : તમે કહેલું હું વિચારીશ. પણ એક સવાલ તો મને હમણાં જ ઊઠે છે. મુસલમાન હિંદુસ્તાનમાં દાખલ થયા તે પહેલાંના હિંદુસ્તાનની તમે વાત કરી. પણ હવે તો મુસલમાનોની, પારસીની, ખ્રિસ્તીની એમ મોટી સંખ્યા છે. તે એક-પ્રજા હોય નહીં, હિંદુ-મુસલમાનને તો હાડવેર છે એમ કહેવાય છે. આપણી કહેવત પણ તેવી જ છે. 'મિયાંને ને મહાદેવને ન બને.' હિંદુ પૂર્વમાં તો મુસલમાન પશ્ચિમમાં

૭૪