આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જોઈએ. તેવું હિંદુસ્તાનમાં હતું અને છે. બાકી ખરું જોતાં, જેટલા માણસ તેટલા ધર્મ છે એમ ગણી શકાય. એક - પ્રજા થઈ રહેનાર માણસો એકબીજાના ધર્મની વચમાં પડતા જ નથી; જો પડે તો સમજવું કે તેઓ એક-પ્રજા થવાને લાયક નથી. હિંદુ જો એમ માને કે આખું હિંદુસ્તાન હિંદુથી જ ભરેલું હોય તો તે સ્વપનું છે. મુસલમાન એમ માને કે તેમાં માત્ર મુસલમાન જ વસે તો તે પણ સ્વપ્ન સમજવું, છતાં હિંદુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી, જેઓ તે દેશને મુલક કરી વસ્યા છે તેઓ એકદેશી, એકમુલકી છે; તે મુલકી ભાઈ છે, અને તેમણે એકબીજાના સ્વાર્થને ખાતર એક થઈ રહેવું પડશે.

દુનિયા કોઈ પણ ભાગમાં એક-પ્રજાનો અર્થ એક-ધર્મ એમ થયો નથી, હિંદુસ્તાનમાં હતો નહીં.

૭૯