આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪ : હીરાની ચમક
 


જો ને, એણે પહેરેલું વસ્ત્ર પાંચ જગ્યાએથી તો સાંધેલું હતું !’

‘એ ભગત જાતમહેનત સિવાય બીજા કોઈનું કાંઈ લેતા નથી.’ ઠકરાણીએ કહ્યું. રજપૂત ઠાકરનો સીનો ફરી ગયો. ક્ષત્રિય દાન કરે બક્ષિસ આપે તેની ના પાડનારો દુનિયામાં કોઈ જ જ નથી, એવો ભાવ તેની મુદ્રામાં દેખાઈ આવ્યો.

‘ઠકરાણી ! મારી ભેટ મારા કહ્યા સિવાય તમારો ભગત લઈ લે તો તમે શું કરો?’ ઠાકોર બોલ્યા.

‘તો હું ભગતને પગે લાગવાનું જિંદગીભર છોડી દઈશ.’ ગરાસણી બોલી.

અને ત્રીજે દિવસે એક ચમત્કાર બન્યો. એ જ છત્ર રહિત દેવાલય પાસે એક નાનકડા વૃક્ષ ઉપર રત્નજડિત મૂઠવાળી તલવાર, સોનેરી જામો, કસબી સાફો અને રત્નજડિત મુકુટ, હીરાનો હાર અને કીનખાબી મોજડી, ભરાવેલાં હતાં. અને આખું ગામ સૂતું હતું ત્યારે સ્નાન કરવા આવેલા તુલાધાર ભક્તે સ્નાન કરી પાછા ફરતાં આ રજવાડી કિંમતી વસ્તુઓ અને આભૂષણો નિહાળ્યાં. નજર તો તેમની પડી. થોડા દિવસ પહેલાં અચાનક પકવાનના ચાંદીના થાળ પડ્યા હતા; આજ કોઈ રજવાડી ઠાઠનો પોશાક પણ એ જ સ્થળે મુકાયા હતા. તુલાધારના દેહ ઉપર નાનકડા ફાટેલા વસ્ત્ર સિવાય બીજું કાંઈ ન હતું. ચારે પાસ કોઈ હતું જ નહિ. આટલી વસ્તુઓ ઉપાડી અને તુલાધાર ગામમાંથી ભાગી જાય તો પણ બીજે ગામ સહકુટુંબ જીવનપર્યંત સુખથી રહે એટલી આ પોશાકની કિંમત હતી. પરંતુ તુલાધારની દૃષ્ટિએ આ ચમત્કારે જુદું જ સ્વરૂપ ધારણ કર્યું.

‘કોઈ રાજવી આ પવિત્ર નર્મદામાં સ્નાન કરવા ગુપ્ત રીતે આવ્યા છે. એનો પોશાક પ્રભુ સાચવી રાખો અને સ્નાનપુણ્યભર્યા એના દેહ ઉપર વીરાજી પોશાક પણ પવિત્ર બનો !’

આવો વિચાર કરી દેવનાં દર્શન કરી પોશાક પાસે થઈને તુલાધાર પોતાની ઝૂંપડીએ આવીને ધ્યાનમાં બેઠા. આંખે ઊડીને