આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬ : હીરાની ચમક
 


મુખ ફેરવી ઊભી રહી છે. આશાના ઉલ્લાસમાં હીંચતો દેવીસિંહ પોતાના મહેલમાં આવ્યો. રાત્રિના પહેલા પ્રહરે કમલનયના આવે એમ તો એણે કદી ધાર્યું ન હતું. રાત્રિના બીજા પ્રહરના ચોઘડિયાં વાગતાં જ તેને લાગ્યું કે હવે કોઈ પણ ક્ષણે કમલનયના તેની પાસે આવ્યા વગર રહેશે નહિ. તેને લાવવા માટે અને તેની સત્કાર માટે દેવીસિંહે સંપૂર્ણ તૈયારી કરી રાખી હતી, અને પોતાના પ્રેમને પાનો ચડે એ ઢબે એણે મદિરાનું પણ ઠીક ઠીક સેવન કર્યું હતું.

મદિરા કાં તો ઊંઘાડે કે જગાડે – જે ઉદ્દેશથી મદિરા પીધો હોય તે ઉદ્દેશ પ્રમાણે ! મદિરા અને મદિરાક્ષીની ઝંખના તેને ક્ષણભર પણ નિદ્રા આવવા દે એમ હતું નહિ. વિવશ બનેલા દેવીસિંહે બારણામાંથી જોયું, બની શકે એટલી પૂછપરછ કરી, પરંતુ બીજો પહોર વીતી જવા છતાં કમલનયના તેને મહેલે આવી નહિ. કાંઈ કારણ બન્યું હશે, મહેમાન આવી ચઢ્યા હશે, તેનું એકાદ બાળક જાગી ઊઠ્યું હશે, એવાં એવાં કારણો શોધી દેવીસિંહે રાત્રિના ત્રીજા પહોરમાં પ્રવેશ કર્યો. પરંતુ એ ત્રીજો પ્રહર પણ નિષ્ફળ ગયો. અને ચોથો પ્રહર થતાં તેના પ્રેમે વિકળતાનું અને ક્રોધનું સ્વરૂપ ધારણ કર્યું. તેનું ચાલત તો તે કમલનયનાને પોતાના અનુચરો મારફત ઉપાડી મંગાવત પણ ખરો. પરંતુ હજી પ્રભાત થયું ન હતું ત્યાં સુધી અંધકારમાં દેવીસિંહની આશા ઓસરી ગઈ ન હતી. આશા જેમ જેમ તીવ્ર બનતી જાય છે તેમ તેમ આશાની નિષ્ફળતા માનવીને ઘેલો બનાવની જાય છે. પ્રભાતનાં પક્ષીઓ બોલ્યાં, અરુણનો ઉદય થયો, સૂર્યનું પહેલું કિરણ પૃથ્વી - ઉપર ઊતર્યું, એ સાથે જ આખી રાતની જાગ્રતાવસ્થાથી — કહો કે અતૃપ્ત વાંચ્છનાથી — વ્યગ્ર બનેલા દેવીસિંહે કાઈ અજબ પ્રકાર ઘેલછા અનુભવી. તેણે આજ્ઞા આપી કે તેના અનુચરે જગન્નાથ પંડિતનું મસ્તક કાપી, દેવસેવામાં રોકાયેલી કમલનયનાને, એક