આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોક્ષ : ૧૧૫
 


યુવાન કર્દમ સ્નાન કરી જલાશયને કિનારે એક સંધ્યાટાણે સાયં-ધ્યાન ધરી રહ્યો હતો. ધ્યાનસ્થ મુનિના ખભા ઉપર વિખરાયેલા કેશ એના સ્ફટિક ઉજ્જવલ દેહને એક રંગપીઠ આપી રહ્યા હતા. સશક્ત સીધો દેહ જાણે આથમતા સૂર્યને બદલે ઊગતા ચંદ્રને શોધી લાવતો હોય એવો સામર્થ્યવાન દેખાતો હતો. સૃષ્ટિસૌંદર્ય ભર્યું ભર્યું વેરાતું હતું તેની જાણે પરવા ન હોય એમ આંખ મીંચી ધ્યાન ધરી રહેલા કર્દમે સંધ્યા પૂર્ણ થતાં આંખ ઉઘાડી, અને સહેજ દૂર પોતાને ધ્યાનપૂર્વક નીરખતી એક રૂપયૌવનાને તેણે નિહાળી. કોણ હશે એ ? શા માટે એ કર્દમના ધ્યાનસ્થ દેહ તરફ તાકીને જોઈ રહી હતી ? આજ સુધી કર્દમને મન સ્ત્રીજાત માત્ર એક માનવપ્રાણી હતું; અત્યારે તેના તરફ જોતી સ્ત્રીમાં કંઈ અદ્‌ભુત લાવણ્ય કર્દમની નજરે પડ્યું. સ્ત્રી અને સૌંદર્ય આટલાં એક બની શકે ખરાં ?

કર્દમમુનિની આંખ સ્ત્રીસૌંદર્ય ઉપર થોડીક ક્ષણો સુધી સ્થિર થઈ રહી. ત્રણ દિવસ ઉપર સાંભળેલો અદૃશ્ય સાદ મુનિને યાદ આવ્યો. એ ગેબી સાદ શું સાચો પડતો હતો ? પ્રભુના જન્મને પાત્ર કોઈ સ્ત્રી તેમની સામે આવીને ઊભી રહી હતી શું ? સંધ્યાકાળે આમ આવેલી યુવતી કેમ એકલી આવી હશે ? અણધાર્યા બંનેના પગ સામસામાં ઊપડ્યા. કર્દમના જવાના માર્ગમાં એ યુવતી આવતી હતી. બંને સામસામે આવી ગયાં. યુવતીએ બે હાથ જોડી કર્દમ મુનિને પ્રણામ કર્યા, કર્દમે આશીર્વાદ મુદ્રામાં હાથ ઊંચો કરી પૂછ્યું :

‘દેવી ! કોણ છો આપ ? કોને શોધો છો… આવા અર્ધઅંધકારભર્યા એકાંતમાં ?’

‘મારું નામ દેવહૂતિ. વૈવસ્વત મનુની હું પુત્રી. શોધતી તો… કોણ જાણે કોઈને જ નથી; પણ મને એકાંત બહુ ગમે છે એટલે ફરતી ફરતી આમ ચાલી આવી.’ દેવહૂતિએ જરા ય સંકોચ વગર