આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૯ : હીરાની ચમક
 


જોત જોતામાં ખરેખર એક નાનકડું સૈન્ય તેના આશ્રમની પાસે આવતું દેખાયું. કર્દમને એક ક્ષણ માટે કૂતુહલ થયું કે તે મનુ સરખા મહાન રાજવીને જુએ !... અને સાથે સાથે પિતાની સાથે દેવહૂતિ પણ પસાર થતી હોય તો તેના સૌંદર્યભર્યા દેહ ઉપર છેવટની દૃષ્ટિ નાખી તે પોતાના તપમાં આખા સ્ત્રીસમુદાયને વીસરી જાય ! ક્ષણભર વિચાર આવ્યો તો ખરો, પરંતુ જે તપની કક્ષા ઉપર તે ઊભો હતો તે તેમની કક્ષા તેને રાજાઓ અને રાજકુમારીઓનાં દર્શનની લાલસામાં ઊતરી જતી લાગી. એટલેકે એક સામાન્ય દૃશ્યરસિયાની માફક આશ્રમની સીમાએ જઈ ઊભા રહેવાનું તેને થયેલું મન અંકુશમાં રાખ્યું, અને પોતાના હવનની સામગ્રી તૈયાર કરવામાં જ તેણે પોતાના મનને પરોવવા માંડ્યું.

એટલામાં એક આશ્ચર્ય થયું. આશ્રમની સીમાએ આખું સૈન્ય અટકી ગયું અને એક સુંદર રથમાંથી એક તેજસ્વી રાજવી, ગૌરવભરી રાજરાણી અને સૌંદર્યમૂર્તિ દેવહૂતિ પગે ચાલીને આશ્રમના દ્વારમાં થઈ પર્ણકુટિ તરફ આવતાં દેખાયાં, પર્ણકુટિના આંગણામાં હવનની સામગ્રી ગોઠવતા કર્દમે જોયું કે આ ત્રણે વિશિષ્ટ વ્યક્તિઓ તેના ભણી જ આવતી હતી. મુનિ તરત સમજ્યો કે તેમની બાજુએ આવનાર રાજવી મનુ છે અને મહારાણી શતરૂપા છે. મન્વંતર સ્થાપી શકનાર એ મહાન રાજવીને માન આપવું જોઈએ, અને માન આપવા ઋષિઓએ પણ સામે જવું એમ કર્દમને લાગ્યું અને તે પોતાનું કાર્ય પડતું મૂકી ત્રણે અતિથિઓની સામે ગયો. રાજવીએ અને મુનિએ પાસે આવતાં બરોબર પરસ્પર નમસ્કાર કર્યા અને કર્દમે નમસ્કાર ચાલુ રાખી વિવેક કર્યો:

‘મન્વતરના સ્થાપક, તેમનાં મહારાણી અને તેમનાં કુમારી મારા આશ્રમમાં પધારે એ બહુમોટી કૃપા !... પરંતુ તપસ્વીઓના આશ્રમમાં સત્કાર યોગ્ય બીજું તો શું હોઈ શકે, સિવાયકે દર્ભાસનો ? પધારો મહારાજ ! મારા ઉપર કેમ કૃપા થઈ?’

કર્દમની વિવેકભરી વાણી મહારાજ મનુને અને મહારાણી