આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪ : હીરાની ચમક
 


દિવસ કર્દમના હૃદયમાં ભારે ખટક ઉત્પન્ન થઈ અને તેમણે હિંચકે હીંચતી દેવહૂતિને કહ્યું :

‘દેવી ! હવે મને સંન્યસ્ત સાદ પાડી બોલાવતું સંભળાય છે.’

‘મારામાં, મારી વ્યવસ્થામાં, મારા ગાર્હસ્થ્યમાં, શું ખામી લાગી કંઈ ?’ સુખમય ઝૂલે ઝૂલતી દેવહૂતિએ ઝોલો અટકાવી એકદમ ચકિત થઈ પૂછ્યું,

‘ના; એ સઘળું એટલું સંપૂર્ણ છે કે હું એ સિવાય મહાતત્ત્વ કદાચ સમૂળું વીસરી જઈશ… અતૃપ્તિથી નહિ, સંપૂર્ણ તૃપ્તિની પ્રસન્નતા પામીને પછી હું સંન્યાસમાં પગ મૂકવા માગું છું. એ કક્ષા હવે આવી રહી છે.’ કર્દમે કહ્યું.

‘હજી જરા વાર છે.’ દેવહૂતિએ કહ્યું.

‘કેમ વાર છે ? શા માટે વાર છે ?’ કર્દમે દેવહૂતિ સામે જોઈને પૂછ્યું. દેવહૂતિની આંખો રમતી હતી, દેવહૂતિનું મુખ હસતું હતું અને દેવહૂતિના દેહે સૌંદર્ય હજી ઝૂલતું હતું. દેવહૂતિએ એક આંખ સહજ ઝીણી કરી કર્દમને કહ્યું :

‘જરા વધારે પાસે આવો તો કહું – કોઈ ન સાંભળે એમ !’

‘એવું શું છે ?’ કહી કર્દમ દેવહૂતિની છેક નજીક આવ્યા અને આસપાસ નજર નાખતાં કોઈ દેખાયું નહિ એટલે દેવહૂતિએ કર્દમને ધીમે રહી કારણ કહ્યું

‘હજી પુત્ર ક્યાં છે ? અને તમે તો આપણે ઘેર પ્રભુ પુત્રરૂપે અવતરશે એવી વાત કરતા હતા. પહેલાં પ્રભુને અવતારો અને પછી સંન્યસ્ત લ્યો.’

કર્દમ મુનિ ચમક્યા. તેમને જૂની આકાશવાણી યાદ આવી. હજી પ્રભુને પુત્રરૂપે પ્રગટાવવાનું અને સાચા પ્રજાપતિ બનવાનું કર્તવ્ય બાકી રહ્યું હતું તે યાદ આવ્યું. ખરેખર દેવવાણી સાચી પડવી જ જોઈએ એવો કર્દમના હૃદયમાં નિશ્ચય થયો અને સંન્યસ્ત પાછું લંબાયું !

દિવસો અને માસ વીત્યા. આશ્રમ વધારે ફળફૂલથી લચી રહ્યો.