આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જીવન : પ્રભુપ્રીત્યર્થે : ૧૨૯
 


ન હોય તોપણ એ રાજાનો જ પ્રશ્ન ગણાય. પરદેશથી નાસી આવી નગરીમાં ભરાયેલો કોઈ દૂત હોય તો ય તે રાજનો પ્રશ્ન ગણાય. પત્નીથી રિસાઈ કે કંટાળીને ઘર બહાર ભાગી આવી અહીં કોઈ સૂતો હોય તો એ કૌટુંબિક પ્રશ્ન પણ અંતે તો રાજાએ જ ઉકેલવો રહ્યો. એ પુરુષ એવી સુંદર નિદ્રા લેતો હતો કે એ કોઈ ગુનેગાર હોય, દુશ્મન રાજ્યનો દૂત હોય, કે દુ:ખી ગૃહસ્થ હોય એમ મહારાજાને લાગ્યું નહિ. તેનાં વસ્ત્રો તેને કોઈ ધનિક કે સત્તાધીશની કક્ષાએ મૂકતાં ન હતાં. સ્વચ્છ, પરંતુ ધનિકતાનો અભાવ સૂચવતાં એનાં પરિધાન હતાં – જોકે તેની મુખમુદ્રા ઉપર તેજ લખલખી રહેલું દેખાતું હતું.

કુતૂહલ ન શમતાં મહારાજને સૂતેલા પુરુષને વિવેકપૂર્વક જાગૃત કર્યો. પ્રસ્સનમુખ પુરુષે રાજાની મહત્તાને ઓળખી અને કહ્યું : ‘રાજન્ ! રાજધર્મ તો સરસ બજાવો છો. પરંતુ હું કાંઈ દુઃખી, દરિદ્રી કે ગુનેગાર માનવી નથી.’

‘તો આપ આવી જમીન ઉપર કાંઈ પણ સાધન વગર કેમ સૂઈ રહ્યા છો ? નગરમાં જોઈએ એટલાં વિશ્રામસ્થાનો છે. મારા મહેલમાં પણ આપ પધારી શકો છો.’ મહારાજાએ સાધુને કહ્યું.

‘ધન્યવાદ, રાજવી ! આમ જ રાજ્ય કરતા રહેજો. હું તો હવે આગળ તીર્થધામોમાં ચાલ્યો જઈશ. વિષ્ણુપાદોદકી ગંગામાં સ્નાન કરી દક્ષિણનાં તીર્થોમાં ફરી વળું છું. અને અમારે, પ્રભુસેવકોને, તો ભગવાનની ભક્તિ એ જ મહેલ રૂપ છે. પ્રભુનો આશ્રય સ્વીકારનારને તો ફૂલશય્યામાં પણ નિદ્રા આવે, અને ધૂળ રેલીમાં પણ નિદ્રા આવે. વરાહ ભગવાને ઉદ્ધારેલી આ પવિત્ર પૃથ્વીમાં શી મણા હોય ? અમને ભૂમિશયન જ ગમે.’ સૂતેલા પુરુષે જાગૃત થઈ વાર્તાલાપ શરૂ કર્યો હતો. પરંતુ એ વાર્તાલાપ આગળ વધારવાની તેની જરા યે ઇન્તેજારી દેખાઈ નહિ. એ તો પોતાનાં વસ્ત્ર, ઝોળી અને લોટો બટોરીને આગળ વધવાની તૈયારી કરવા લાગ્યો. પરંતુ રાજ બળદેવવર્મનનું કુતૂહલ વધારે તીવ્ર બન્યું. મહેલનો ઘુમ્મટ અને વૃક્ષનો