આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જીવન : પ્રભુપ્રીત્યર્થે : ૧૩૩
 

 પંડિતો પણ આવે, અને શાક્ત પંડિતો પણ ત્યાં આવે; સૂરોપાસક પણ ત્યાં ખરા, પાશુપતો પણ ત્યાં ખરા અને ગાણપત્યો પણ ત્યાં ખરા. માયાવાદીઓની પણ ભરતી થાય, સાંખ્યવાદીઓ પણ પ્રવચનો કરે. અને વૈશેષિકો પણ હોતાના સિદ્ધાંતો રાજને સંભળાવે. જૈનો, બૌદ્ધો અને આજીવકો પણ રાજના દરબારમાં આવી વેદનું ખંડન પણ સંભળાવતા; અને મહારાજ બળદેવ એ બધું સાંભળતો પણ ખરો. ઘટાકાશ અને પટાકાશ, અણુ અને પરમાણુ, વૃદ્ધિ અને સ્ફુલ્લિંગ, એવી એવી બુદ્ધિજન્ય સંભાવનાઓ રાજાની બુદ્ધિને તો ચાપલ્ય આપતી ચાલી, પરંતુ તેના હૃદયમાં તલપૂર પણ સંતોષ થતો ન હતો; કારણ આ વિદ્વાનોના અટાપટામાં પ્રભુ તરફ તેની તલપૂર પણ પ્રગતિ થતી નહિ. રાજાનું હૃદય હવે તડપવા માંડ્યું; તેના હૃદયમાં ભારે વ્યથા થવા માંડી; સાચા સાધુની ઝંખના આઠે પહોર જાગૃત રહેવા લાગી. સભાના વાદવિવાદો સાંભળી સભા પૂરી થયે કંટાળેલા રાજવી વિદ્વાનોને યોગ્ય પારિતોષિક આપી એકલો જ મસ્તકે હાથ દઈ સભાસ્થાનમાં બેઠો હતો. હજી સુધી તેને કોઈ સાચો સંત મળ્યો ન હતો એનું કષ્ટ હૃદયમાં થયા કરતું હતું. અને દ્વારપાળે આવી તેને ખબર આપી:

‘મહારાજ ! વિષ્ણુચિત્ત નામધારી કોઈ વ્યક્તિ આપની સમક્ષ આવવા માગે છે.’

‘એ પંડિત છે કે સાધુ?’ રાજાએ જરા કંટાળીને પૂછ્યું. એને વિદ્વાનોનો મોહ હવે રહ્યો ન હતો.

દ્વારપાળને તો એ બે વચ્ચેનો તફાવત શાનો સમજાય ? તેણે જવાબ આવ્યો; ‘મહારાજ ! મને એ સમજ ન પડી.’

‘તો જઈને વિષ્ણુચિત્તને કહે કે આજની વિદ્વાનપરિષદ તો પૂરી થઈ ગઈ છે. આવતી કાલે પધારો.’

પાર્ષદ ગયો, અને તત્કાળ પાછો આવ્યો આવીને તેણે કહ્યું :

‘મહારાજ ! વિષ્ણુચિત્ત તો કહે છે કે તેમને આ ક્ષણે જે આપને મળવું છે. ભગવાન વિષ્ણુની આજ્ઞાથી જ તેઓ અહીં પધાર્યા છે.’