આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભક્તિ કે પ્રભુકૃપા ? : ૧૪૧
 

 નારાયણનું વ્યાખ્યાન સાંભળી ત્રણચાર વાર આછું સ્મિત કર્યું હતું. ચકોર વિપ્ર નારાયણની દૃષ્ટિ બહાર સાધુનું વર્તન ગયું ન હતું. સહુનાં વખાણ ઝીલતાં ઝીલતાં બહાર નીકળતા વિપ્ર નારાયણે હજી પણ સ્મિત કરતા સાધુને પૂછ્યું :

‘સાધો ! વ્યાખ્યાન ન ગમ્યું, ખરું ?’

‘ન ગમે એવું એમાં કાંઈ હતું નહિ… ઠીક છે. સરસ વિદ્વાન વ્યાખ્યાન કરે એવું એ વ્યાખ્યાન હતું.’ સાધુએ સ્મિતસહ જવાબ આપ્યો.

‘આપને એમાં ખામી શી લાગી ?’ વિપ્ર નારાયણે સાધુને પૂછ્યું.

‘ખામી તો કાંઈ નહિ, પરંતુ તને ખોટું ન લાગે તો એક વાત કહું.’ સાધુએ જવાબ આપ્યો.

‘જરૂર કહો.’

‘તો સાંભળ. બુદ્ધિને તારું વ્યાખ્યાન બહુ રુચ્યું. પરંતુ એમાં હૃદયને ચોટ લાગે એવું કાંઈ ન જડ્યું.’

‘હૃદયને શી રીતે ચોટ લાગે ? શું કરું તો ચોટ લાગે ?’

‘ભક્તિ કરો, ભક્તિ ! પંડિતજી !... પ્રભુની નિત્ય સેવા ! જાતે અંગમહેનત કરીને ! ... કાંઈ નહિ તો પુષ્પ ચઢાવો પ્રભુને નિયમિત.’ સાધુએ કહ્યું.

સાધુ અને વિપ્રનારાયણ છૂટા પડ્યા, પરંતુ આખી રાત વિપ્રનારાયણને સાધુનું સ્મિત દેખાયા કર્યું. વિપ્રનારાયણની વિદ્વત્તા એક જાણે કોઈ બાળકની રમત હોય; અને બાળકની એ રમત જોઈ વડીલને કૃપાભર્યું સ્મિત આવતું હોય, તેવું એ સાધુનું સ્મિત આખી રાત દમી રહ્યું. વિપ્ર નારાયણને ઊંડે ઊતરતાં સમજાયું કે તેમની પોતાની વિદ્વત્તા એ માત્ર શબ્દની રમત જ હતી. પ્રભુની નજીક લઈ જાય એવી શક્તિ એ વિદ્વતામાં ન હતી.

પ્રભાતમાં ઊઠીને તેમણે નિશ્ચય કર્યો કે વિદ્વતાને બાજુએ મૂકવી અને પ્રભુની સેવામાં તલ્લીન રહેવું. સાધુની શિખામણ હતી