આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૬ : હીરાની ચમક
 


નિહાળવામાં જ રોકાયેલાં હોય.

એક દિવસ દેવદેપી અને રૂપદેવી બંને પોતાના સમય કરતાં જરા વહેલાં મંદિરે આવી ચઢ્યાં. વિપ્ર નારાયણના બગીચાને તેમણે અછડતો જોયો હતો અને તેમની ખાતરી પણ થઈ ગઈ હતી કે પ્રભુમંદિરમાં અર્પણ થતા પુષ્પશણગાર તેમના નૃત્ય અને ગીત શણગાર કરતાં જરા ય ઊતરતા ન હતા. સમય હતો એટલે તેમણે મંદિરના બગીચામાં ફરવા માંડ્યું. બગીચો પણ મંદિર જેવો જ સુંદર હતો. પ્રભુને અર્થે ઉપજાવતા પુષ્પોની ક્યારીઓ પણ પ્રભુને શોભે – પ્રભુને ગમે – એવી જ જોઈએ ને ? બંને નર્તકી બહેનો આખો બગીચો ફરી વળી. બગીચાને છેડે આવેલા એક વૃક્ષ નીચે નાની સરખી એક ઝૂંપડી હતી. બંને બહેનો જોઈ શકી કે આ ભક્ત વિપ્રનારાયણનો મહાનિવાસ ! આ તૂટીફૂટી ઝૂંપડીમાં પેલો પુષ્પતપસ્વી વિપ્રનારાયણ રહેતો હતો, પરંતુ નિત્ય નિત્ય એ પુષ્પનાં નવાં નવાં સ્વર્ગમંદિરમાં રચતો હતો !

સૌંદર્યના અર્ક સમી બંને બહેનો જ્યારે બાગમાં ફરી રહી હતી ત્યારે વિપ્ર નારાયણ બગીચાના પાણીવહન માટેની એક નાનકડી નહેર સમારી રહ્યો હતો. તેમના હાથ અને પગ – કદાચ મુખ અને છાતી પણ – માટીવાળાં બની ગયાં હતાં. બગીચામાં કોણ ફરે છે તેની વિપ્ર નારાયણને પરવા ન હતી. પાસે થઈને બંને બહેનોએ જવા માંડ્યું, પરંતુ વિપ્ર નારાયણે નહેર સુધારવામાંથી મસ્તક કે આંખ પણ ઊંચકી તેમના તરફ જોયું નહિ ! દેવદેવીએ ટહુકો કર્યો :

‘ભક્તરાજ ! કીર્તનનો સમય થવા આવ્યો છે.’

‘સમય હું નહિ ચૂકું.’ વિપ્ર નારાયણે પોતાનું કામ ચાલુ રાખી જરા પણ ઊંચું જોયા વગર જવાબ આપ્યો.

‘ચાલો ને, અમારી સાથે ! વાર થઈ જશે તમને.’ દેવદેવીએ વધારે આર્જવપૂર્વક આગ્રહ કર્યો. રૂપને અન્યની આંખ આકર્ષવી બહુ ગમે છે. દેવદેવી મંદિર સાથે આટલો સંબંધ રાખતી હતી પરંતુ એને એના રૂપનું અને આવડતનું અભિમાન જરા યે ઓછું ન હતું.