આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૮ : હીરાની ચમક
 


આવીને વિપ્ર નારાયણ ત્યાં બેઠા ૫ણ ખરા, પ્રભુનું કીર્તન તેમણે ફૂલહાર ગૂંથતાં ગૂંથતાં સાંભળ્યું. ગીત અને નૃત્ય કરતાં કરતાં આ દેવદેવી પ્રભુને બદલે વિપ્ર નારાયણ તરફ વધારે જોતી હતી. અને એના નર્તનની આજ દેવદેવીએ એવી ખિલાવટ કરી હતી કે બે ત્રણ વાર તેનાં વસ્ત્રો નાચતાં નાચતાં વિપ્ર નારાયણને હવા આપી ગયાં. એટલું જ નહિ પરંતુ અટકી પણ ગયાં. છતાં વિપ્ર નારાયણની દૃષ્ટિ પૂષ્પગૂંથનની ક્રિયામાંથી દેવદેવી તરફ વળી નહિ.

એક સંધ્યાસમયે ફૂલછોડને પાણી પાઈ પોતાની ઝૂંપડીમાં પ્રવેશ કરતા વિપ્ર નારાયણે જોયું કે તેમના જ આંગણામાં આછાં હલકાં વસ્ત્રો પહેરેલી, શોક-આચ્છાદિત, એક સુંદરી તેમની જ પ્રતીક્ષા કરતી ઊભી હોય એમને લાગ્યું. વિપ્ર નારાયણને જોતાં તેણે એકદમ નમસ્કાર કર્યા અને તેમના પગ પકડી લીધા. આશ્ચર્યચકિત ભક્તે તેને ઊભી કરી અને પૂછ્યું :

‘બાઈ ! તું કોણ છે ? અહીં શા માટે આવી છે ?’

‘આપનું શરણ લેવા આવી છું.’ સ્ત્રી અત્યંત કરુણ સાદે જવાબ આપ્યો.

‘શરણ પ્રભુનું લે ! પ્રભુ મંદિરમાં બિરાજે છે; ત્યાં જા. હું જ શરણ શોધી રહ્યો છું તે તને ક્યાંથી શરણ આપું ?’

‘હું જાણું છું કે મને શરણું મળશે તો તે આપના ચરણમાં જ. પ્રભુ પણ મળશે તો તે આપની દ્વારા જ !’ કાકલુદીભર્યા સ્વરે સુંદરીએ કહ્યું.

‘તારી કાંઈક ભૂલ થાય છે. તને કોઈએ ખોટી જગ્યાએ મોકલી છે. મારી આ ઝૂંપડી ! એમાં તને રક્ષણ શું મળે ? અને હું ધનિક નથી, સતાધીશ નથી કે પ્રતિષ્ઠાવાન પુરુષ નથી કે જેથી હું તને રક્ષણ આપી શકું. રક્ષણ પ્રભુનું શોધ કે સત્તાનું શોધ.’ વિપ્ર નારાયણે આ જંજાળમાંથી છૂટવા તેને વિનંતી કરી.