આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભક્તિ કે પ્રભુકૃપા ? : ૧૪૯
 


સૌદર્યસંપન્ન યુવતીએ હવે રડવા માંડ્યું. તેની આંખમાં આંસુ સમાતાં ન હતા. સુંદરીના રુદન સરખી આકર્ષક શક્તિ બીજા કોઈ પણ અભિનયમાં હોઈ શકે નહિ. રડતાં રડતાં એ સુંદરીએ પોતાની કથની વિપ્ર નારાયણને કહી દીધી. તેની માતા કોઈ પણ રીતે તેના સૌંદર્યનો વિક્રય કરવાનો નિશ્ચય કરી બેઠી હતી : કાં તે એક ધનિક સામંતને પોતાનું અખંડ કૌમાર્ય અર્પણ કરી તે જાહેર રૂપજીવિની બની અર્થલાભ મેળવે અગર કોઈ મંદિરમાં દેવમૂર્તિ સાથે લગ્ન કરી દેવદાસી બની પૂજારીઓ અને જાહેર જનતાને પોતાનો દેહ સમર્પણ કરવાની પરિસ્થિતિમાં મૂકી દે. બેમાંથી એક પણ માર્ગ તેને લેવો ન હતો; એને તો માત્ર ભક્તિમય જીવન જ ગાળવું હતું, અને ભલભલી રૂપસુંદરીઓ સામે કદી પણ નજર ન કરનાર ભક્તરાજ વિપ્ર નારાયણના ચરણ સિવાય એને બીજે આશ્રય પણ ક્યાં હોય ? ભક્તરાજની ઇચ્છા પ્રમાણે બગીચાના કોઈ વૃક્ષ તળે પડી રહી તપોમય જીવન ગાળવાની પ્રતિજ્ઞા લઈ એ સુંદરી ફરી વિપ્ર નારાયણના પગને વળગી પડી.

ભક્તનું હૃદય પીગળ્યું. આવી પરિસ્થિતિમાં ભક્તિમાર્ગ ઉપર ચાલી આવતી સુંદરીને તરછોડવી એમાં વિપ્ર નારાયણને ભક્તધર્મનો ધ્વંસ થતો લાગ્યો. અને તેમણે એ સુંદરીને બગીચામાં રહેવાની આજ્ઞા આપી. વિપ્ર નારાયણના માર્ગમાં સહેજ પણ અંતરાય ન આવે એ ઢબે અત્યંત મર્યાદાપૂર્વક એ સુંદરીએ પોતાના દિવસો નિર્ગમન કરવા માંડ્યા; અને વિપ્ર નારાયણને પણ એમ લાગ્યું કે દુર્ગતિમાં ઘસડાતી આ સુંદરીને તેમણે પ્રગતિને પંથે મૂકી છે.

ચોમાસાના દિવસો આવ્યા. આકાશ ઘનઘોર બની રહ્યું. રાત્રિના અંધકારમાં મેઘના અંધકારે તિમિરના પુંજને ચારે બાજુએ ઘટ્ટ બનાવી દીધો. વીજળીના ચમકારા પ્રકાશ વધારવાને બદલે અંધકાર વધારે ભયાનક બનાવતા હતા. અને જોતજોતામાં મુશળધાર વરસાદ તૂટી પડ્યો. હજી વિપ્ર નારાયણે આશ્રિત યુવતીનું નામ પણ પૂછ્યું ન હતું – જોકે હવે નિત્યના બનેલા અબોલ પરિચયે એના