આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૦ : હીરાની ચમક
 


તરફ ધ્યાન સમૂળ ખેંચ્યું ન હતું એમ કહી શકાય નહિ. હજી યુવતી વૃક્ષ નીચે જ પડી રહેતી. એને દેહકષ્ટ કરવું હતું; એટલે એણે ઝૂંપડી પણ પોતાને માટે બાંધી ન હતી. વરસાદની ગર્જનાએ જાગૃત રહેલા વિપ્ર નારાયણને ભર વરસાદમાં પલળતી, વૃક્ષ નીચે બારે મેઘનાં પાણી માથે લેતી, આશ્રિત સ્ત્રી યાદ આવી. અને તેમણે ઝૂંપડીની ઓસરીમાં આવી, બૂમ પાડી, દીવો દેખાડી, તેને ઝૂંપડી પાસે બોલાવી. આશ્રિત સુંદરી પાણીમાં તરબોળ થઈ ગઈ હતી. ભીના વસ્ત્રમાંથી તેનો આખો દેહ લગભગ ઊપસી આવતો હતો. તે થરથર કંપતી હતી. વિપ્ર નારાયણે કહ્યું :

‘અંદર આવ; કપડાં બદલ અને આજે ઝૂંપડીમાં જ સૂઈ જા.’

‘નહિ, પ્રભો ! હું જ્યાં છું ત્યાં જ ઠીક છું.’ યુવતીએ કંપતે સ્વરે કહ્યું.

‘ટાઢે આવી ઘેરી લીધેલી છે, મારાથી તને આવા કાળામેઘમાં પાછી ન જ મોકલાય. આવ અંદર, અને કપડાં બદલી લે.’ વિપ્ર નારાયણે કહ્યું અને હજી પણ ઝૂંપડીમાં આવતાં સંકોચાતી યુવતીનો હાથ પકડી, દેહ પકડી, વિપ્ર નારાયણ તેને ઝૂંપડીના અંદરના ભાગમાં લઈ આવ્યા.

‘મને અંદર તો આપ લાવ્યા, પરંતુ હું કપડાં ક્યાં બદલીશ ? મારાં વસ્ત્રો જે કાંઈ એકબે હતાં તે વૃક્ષ નીચે પલળી ગયાં, પાણીમાં વહી ગયાં. હું તો આપની આરામની જગાને પાણીથી ભીંજવી રહી છું.’ સુંદરીએ વિવેક સાથે સત્યનું ઉચ્ચારણ કર્યું.

વિપ્ર નારાયણ સુંદરીની આ મુશ્કેલી પણ સમજી ગયા. આખી રાત ભીને વસ્ત્રે તો એ યુવતીને બેસાડી રાખી શકાય જ નહિ એમ તેમનું દયાર્દ્ર હૃદય કહેતું હતું. તેમને એક ઉપાય સૂઝ્યો. તેમણે સહજ સ્મિત સહ કહ્યું :

‘તું મારાં – પુરુષનાં – કોરાં વસ્ત્રો અંઘોળમાં છે તે પહેરી લે, અને કોરી થઈ જા, ભીને વસ્ત્રે તો તને જ્વર ચઢી આવશે.’

એટલું કહી વિપ્ર નારાયણે આશ્રિત યુવતીને પોતાનાં પુરુષવસ્ત્રો –