આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભક્તિ કે પ્રભુકૃપા : ૧૫૧
 


નાનકડી લુંગી અને અંચળો આપ્યાં. ઝૂંપડીમાં વસ્ત્ર બદલવાનો ખંડ તો ન જ હોય ! બહુ કાળજીપૂર્વક યુવતીએ સ્ત્રીવસ્ત્રો બદલીને વિપ્ર નારાયણનાં પુરુષ વસ્ત્રો પહેરી લીધાં. પરંતુ પુરુષ વસ્ત્ત્રો સ્ત્રી દેહ માટે રચાયેલાં હોતાં નથી. સ્ત્રીવસ્ત્રોમાં ઢંકાતાં સ્ત્રી દેહનાં અંગ પુરુષ વસ્ત્ર્રોમાં સ્ત્રીત્ત્વનું પ્રાગટ્ય કદી કદી વધારે કરી ઊઠે છે. તેમાં યે ભક્ત વિપ્રનારાયણનાં ટૂંકાં વસ્ત્રો આશ્રિત સ્ત્રીના અવયવોનું સૌંદર્ય વધારે ખીલવી રહ્યાં.

હજી આશ્રિત સ્ત્રીની ટાઢ શમી ન હતી. તે પુરુપવસ્ત્રો પહેરી શરમાઈ ઝૂંપડીને એક ખૂણે બેસી ગઈ હતી, છતાં એના દેહનો થરકાટ હજી મટ્યો ન હતો. કૃપાળુ વિપ્ર નારાયણે પોતાની એકની એક ચટાઈ અને ઓઢવાનો કામળો તેની પાસે પાથરી થરથરતી સુંદરીને તેના ઉપર સુવાડી દીધી. સૂતાં સૂતાં ઠંડીનો ઉચ્ચાર કરતાં વિપ્ર નારાયણના હાથ પકડી ખેંચી આશ્રિત સુંદરીએ વિપ્ર નારાયણને પણ એ જ પાથરણામાં ઘસડ્યા અને કહ્યું :

‘હું એવી સ્વાર્થી નથી કે આપની પથારીનો ઉપયોગ કરી આપને આ કાળઠંડીમાં ખુલ્લા થરથરતા મૂકું.’

‘વિપ્ર નારાયણને પણ ખરેખર ઠંડી લાગતી હતી. તેઓ ઘસડાયા. આશ્રિત સ્ત્રી સાથે શયન કરી તેમણે ઉષ્મા આપી અને ઉષ્મા મેળવી.

પરંતુ તે સાથે તેમનું એ રાત્રે પતન થયું. સૌંદર્યનિધાન, સુખનિધાન, પ્રભુને થોડીક ક્ષણો ભુલાવે એવું સૌંદર્ય અને સુખ નારીદેહમાં પણ હોય છે એ કંપભર્યો અનુભવ ભક્તરાજે આજ પહેલવહેલો કર્યો. અને પ્રભુ ભુલાઈ ગયા. દેવદેવીની પ્રતિજ્ઞા સફળ થઈ અને વિદ્વત્તામાંથી ભક્તની ઉચ્ચ કક્ષાએ ઊડતા આ સાધકનો પગ એટલો બધો લપસ્યો કે તેમણે બગીચાનો નિવાસ પણ છોડી દીધો; પોતાની સંપત્તિ–મિલક્ત જે કાંઈ હતાં તે બધાં દેવદેવીને ચરણે ધર્યાં. અને પ્રભુમાં સંક્રાંત થવા પાત્ર એકાગ્રતાના દેવદેવીના રૂપમાં વાળી દીધી.