આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૪ : હીરાની ચમક
 


એ વાત સાચી, પરંતુ મંદિરમાં મારો પગ પ્રવેશતાં જ જૂઠો પડી ગયો !.. અને ભિખારી બની ગયેલા મારા જેવાની પાસે નોકર પણ કોણ હોય અને મંદિરના ભંડારમાંથી સોનાનો થાળ ચોરવાની હિંમત પણ કોણ કરે ?’

પરંતુ મંદિરમાંથી સોનાનો થાળ ચોરાયો હતો એ વાત સાચી હતી. દેવદેવીને એ થાળ મળ્યો હતો એ વાત પણ સાચી હતી. વિપ્ર નારાયણનો નોકર એ થાળ દેવદેવીને આપી ગયો હતો એમ દેવદેવી પોતે કહેતી હતી. હવે માત્ર વિપ્ર નારાયણ ના પાડે એટલા ઉપરથી રક્ષકદળનાં માણસો વિપ્ર નારાયણને જતાં કરે એ સંભવિત ન હતું. એક વિચિત્ર વસ્તુ હજી ઊકલી ન હતી. દેવદેવીને મળેલો સુવર્ણથાળ દેવદેવીના ઘરમાં જડતો ન હતો, જોકે એ તેના ઘરમાં આવ્યો હતો એ વાત તે કબૂલ રાખતી હતી. આવી કિંમતી વસ્તુ વિપ્ર નારાયણ અને દેવદેવી મળી ગમે ત્યાં વગે કરી દે એમાં આશ્ચર્ય ન જ કહેવાય. એમ જ માનીને સિપાઈઓએ વિપ્ર નારાયણને તો કેદ કર્યા; ઉપરાંત દેવદેવીએ પોતાને મળેલ સુવર્ણથાળ ગુમ કરવા માટે સિપાઈઓએ દેવદેવીને પણ કેદ કરી. અને બંને જણ પતનની છેલ્લી કક્ષાની સજા ભોગવતાં આખી રાત કેદખાને રહ્યા.

બંનેની આંખના પડળ હવે ખૂલી ગયાં. વિપ્ર નારાયણ એક વખત ભવ્ય ભક્ત હતાં, વિદ્વત્તા મૂકી તેઓ ભક્ત બન્યાં હતાં અને પોતે પ્રભુ સિવાય બીજું કાંઈ જોતા જ ન હતા એવું ભાન – એવું અભિમાન – પણ સેવતા થઈ ગયા હતા. પ્રભુની દુનિયામાં સર્વ કાંઈ પ્રભુમય જ છે, પછી તે પ્રભુમૂર્તિ હોય, પુષ્પ હોય, કે પાપી ગણિકા હોય. સાચા ભક્તને સર્વમાં પ્રભુ દેખાવો જોઈતો હતો. એને બદલે મૂર્તિમાં જ પ્રભુ જોવાની સંકુચિત ટેવ વિપ્ર નારાયણે પાડી હતી. હવે વિપ્ર નારાયણને અત્યારે દેવનું મંદિર, ગણિકાનો આવાસ, પથ્થરની છાટ અને કેદખાનાં સર્વ સરખા જ પ્રભુમય લાગ્યાં. એટલે તેમને ગણિકાગમન, ચોરીનો આરોપ અને કેદખાનાનો વસવાટ એ ત્રણેમાં પ્રતિષ્ઠાહાનિને બદલે પ્રભુની કૃપા જ દેખાવા લાગી.