આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૬ : હીરાની ચમક
 


‘એ અમે કશું ન જાણીએ. ચોરાયેલો કહેવાતો માલ મળી ગયો અને તે પોતાને સ્થાને જ મળી ગયો, એટલે તમને અમે ગુનેગાર ગણી શકીએ નહિ.’ બંદીપાલે કહ્યું અને દેવદેવી બંદીગૃહમાંથી છૂટી થઈ બહાર પડી. એને એક વિચાર આવ્યો :

‘ભક્ત વિપ્ર નારાયણના નોકર તરીકે સુવર્ણથાળ લઈ આવેલી વ્યક્તિ એ સાક્ષાત્ પ્રભુ તો ન હોય ?— જે પ્રભુએ મહારાજાને અને મંદિરના ભંડારીને સ્વપ્ન આપ્યું.’

પછી તો વિપ્ર નારાયણ પ્રતિષ્ઠા, ભક્તિભાવ અને અહંભાવ સઘળું વીસરી પાછા પોતાના મંદિરમાં આવ્યા. પ્રભુની દયા ઉપર – નહિ કે પોતાની ભક્તિ ઉપર આખું જીવન સમર્પણ કર્યું અને ઊજડી ગયેલા બગીચાને સજીવન કરી પુષ્પ અર્પણનો પોતાનો પ્રયોગ પાછો શરૂ કર્યો.

દેવદેવીએ પણ એ જ બગીચામાં આવીને વૃક્ષતળે પોતાની નિવાસ પાછો શરૂ કર્યો અને પ્રભુની પાસે પોતાની નૃત્યકળા અને સંગીતકળાનું સમર્પણ કર્યું. વરસાદ આવતો ત્યારે હવે તે ભીંજાતી વિપ્ર નારાયણની ઝૂંપડીમાં જતી નહિ. ભીંજાતા પહેલાં જ તે વિપ્રનારાયણની ઝૂંપડીમાં ચાલી જતી. પરંતુ એ ઝૂંપડીએ ફરી વિપ્રનારાયણનું કે દેવદેવીનું પતન જોયું નહિ. ભક્તિરસમાં તલ્લીન રહેતાં, પ્રભુની કૃપા ઉપર પોતાના જીવનની નૌકા ચલાવ્યે જતાં, બંને મુક્તિપથગામી બની ગયાં.

દેવદેવીએ પોતાની આખી મિલકત મંદિરને સમર્પણ કરી દીધી.

વિપ્ર નારાયણ પાસે સમર્પણ કરવાને કશું રહ્યું જ ન હતું, સિવાય કે પોતાનું જીવન. સહુએ તેમને પાછા ભક્તરાજ તરીકે સંબોધવા માંડ્યા પરંતુ એમણે ભક્તરાજ અને વિપ્ર નારાયણ એ બંને નામો જતાં કરી પોતાનું નામ ‘ભક્તપદરેણું’ ભક્તિની પણ ચરણરજ – રાખ્યું. અને પરમભક્ત તરીકે તેઓ અલ્વારની મહાન ભક્તશ્રેણીમાં સ્થાન પામી ચૂક્યાં.