આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




દૂધમાંથી અમૃત

હિમાલયની બહુ જ નજીક — હિમાલયના પડછાયામાં — વ્યાઘ્રપાદ મુનિનો આશ્રમ. કુલમાતા અંબા તેમનાં પત્ની. ઋષિમુનિઓની પરંપરા પ્રમાણે મુનિ વ્યાઘ્રપાદ ધ્યાન, ધારણા અને સમાધિમાં મગ્ન રહેતા, અને વિદ્યાર્થીઓને રાખી વિદ્યાદાન આપતા હતા. કેટલાક મુનિઓના આશ્રમ આબાદ, સમૃદ્ધ અને વ્યવસ્થિત રહેતા, જ્યારે કેટલાક અતિઈશ્વર પરાયણ મુનિઓના આશ્રમમાં આબાદીની ઝાંખી ઓછી દેખાતી. વળી કેટલાક મુનિઓના આશ્રમ અત્યંત પહાડી જગ્યામાં હોય તો ત્યાં પણ કૃષિ કરતાં કુદરત ઉપર વધારે આધાર રાખવો પડતો હતો. અને વ્યાઘ્રપાદનો આશ્રમ ટેકરા, ટેકરી અને ગુફાઓમાં જ સમાઈ જતો; તે એટલે સુધી કે ત્યાં ગાયોનું પણ પોષણ થઈ શકતું નહિ. અને આર્યોને ઉચિત ગૌશાળા વ્યાઘ્રપાદ આશ્રમમાં વર્ષો સુધી ખાલી રહી.

એક સમયે વ્યાઘ્રપાદનાં પત્ની અંબા પોતાના બાલક ઉપમન્યુને લઈ એક પરિચિત ઋષિના આશ્રમમાં મળવાને માટે ગયાં. ત્યાંનાં ઋષિપત્નીએ મળવા આવેલા બાળકને ગાય દોહી તાજું સુંદર દૂધ પીવાને આપ્યું, અને તે નાનકડા ઉપમન્યુને ખૂબ ભાવ્યું. આવું દૂધ તેણે કદી પણ પીધું હોય એવું તેને યાદ ન હતું. પરિચિત મુનિના આશ્રમમાંથી ઉપમન્યુને લઈ અંબા પાછાં પોતાને આશ્રમે આવી ગયાં. પ્રભાત થતાં ઉપમન્યુને બીજા આશ્રમમાં પીધેલું દૂધ યાદ આવ્યું. તેણે માતાની પાસે માગણી કરી :

‘મા ! પેલા આશ્રમમાં મને આપ્યું હતું તેવું દૂધ તું મને