આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દૂધમાંથી અમૃત : ૧૫૯
 


આપ.’

માતા અંબા જરા ચમક્યાં. આશ્રમમાં ગાય તો હતી જ નહિ, એટલે દૂધ મળે જ ક્યાંથી ? ઉપમન્યુએ દૂધ જોયું હતું, અને ચાખ્યું હતું એટલે એને દૂધની ઇચ્છા થાય એ પણ સ્વાભાવિક હતું. ગરીબીમાં તુષ્ટ રહેનાર આર્યાસન્નારીએ બાલકને સંતોષવા યુક્તિ કરી. જવના ધોળા લોટને પાણીમાં પલાળી દૂધ જેવો તેનો દેખાવ કરી માતાએ પુત્ર પાસે લાવીને દૂધ મૂકી દીધું. ઉપમન્યુએ તે પીવા માંડ્યું પરંતુ તેને જોતાં જ શંકા પડી હતી એટલે પીતાં તો તેની ખાતરી જ થઈ ગઈ કે આ પ્રવાહી પદાર્થ દૂધનો ન હતો. મા પાસે જઈને તેણે કહ્યું :

‘મા ! આ કંઈ પેલું પીધું હતું એવું દૂધ ન હોય. તેં મને કંઈ જુદી જ વસ્તુ આપી છે.’

માતાના મુખ ઉપર સહજ સંકોચ થયો; ગ્લાનિ પણ થઈ. અને પોતાના મોંઘા પુત્રને દૂધ આપી શકાતું ન હતું એ દીનતા પણ તેમના હૃદયમાં ઊપસી આવી. તેમની આંખમાં ઝળઝળિયાં પણ આવ્યાં તપમાં અને અધ્યાપનમાં નિમગ્ન રહેતા મહાસમર્થ મુનિ વ્યાઘ્રપાદ ધારે તો અણખૂટ સમૃદ્ધિ ઉપજાવી શકે એમ હતું. પરંતુ તેમને સુખસમૃદ્ધિની પરવા જ ક્યાં હતી ? પ્રભુમાં લીન તપસ્વીને દૂધ દહીં અને ઘી માખણ જેવી પાર્થિવ વસ્તુઓ ઉપજવવા તરફ પ્રેરવા એ માતા અંબાને કદી ગમ્યું ન હતું. આજે પણ તે તેમને ગમ્યું નહિ. સાથે સાથે પોતાના પુત્ર દૂધ માગીને દૂધ વગરનો રહે એ પણ માતૃહૃદયને કેમ ગમે ? પુત્રે માતાની મુંઝવણ જોઈ – નાનો હતો છતાં અને તેણે પૂછ્યું :

‘મા ! કેમ આમ આંસુ લાવે છે ? દૂધ આપણી પર્ણકુટિમાં નથી શું ?’

‘ના, દીકરા ! આપણો આશ્રમ એવો સમૃદ્ધિહીન છે કે આપણને દૂધ મળી શકે એમ નથી. માતાએ અશ્રુ લૂછતાં જવાબ આપ્યો.

‘એ દૂધ મેળવવાનો કંઈ માર્ગ હશે ખરો, મા ?’