આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૮ : હીરાની ચમક
 

 હતા, રાજ્યભાર વહન પણ કરતો હતો, છતાં એના હૃદયમાં એક ઝંખના જાગી હતી : ચર્મચક્ષુ પણ પ્રભુનાં જ દીધેલાં; એ ચક્ષુ સામે પ્રભુ આવીને કેમ ઊભા ન રહે ? માનવી ને તો ચર્મચક્ષુ અને દિવ્યચક્ષુઓના ભેદ ! પ્રભુ એ ભેદ કેમ રહેવા દે ?

મહારાજા કુલશેખરને સઘળી સત્તા હતી. ધારે તેને મારે અને ધારે તેને જિવાડે એ સત્તા હતી તો ખરી, છતાં કુલશેખર જોઈ શક્યો કે એનાથી ગમે તેને મારી શકાતું ન હતું... અને સર્વ માંદા કે સર્વ મૃતને જિવાડી શકાતું તો હતું જ નહિ. રોગગ્રસ્તોને રોગમુક્ત કરવા અને લાંબું જિવાડવા એણે ઔષધશાળાઓ અને સારવારગૃહો આખા રાજ્યમાં સ્થાપ્યાં એ ખરું, પરંતુ મૃતદેહને સજીવન કરી શકે એવા કોઈ કલાધર ઉપર એની સત્તા તો હતી જ નહિ. ઔષધો અને શસ્ત્રવૈદ્યો સાથે એણે ઘણી ચર્ચા કરી, પરંતુ મૃત દેહને સજીવન કરવાની વિદ્યા કે કલા કોઈ માનવીના હાથમાં ન હતી એમ સાબિત થયું. રાજવીની આમ અબાધિત ગણાતી સત્તા ખૂબ ખૂબ મર્યાદિત માલૂમ પડી.

કુલશેખરે કૃષિ અને વ્યાપાર ખૂબ આગળ કર્યા. અને તેની વહેંચણી એવી વ્યવસ્થિત રીતે કરી કે એની પ્રજાનું સંપૂર્ણ ભરણપોષણ થાય, સહુને આનંદ ઉત્સવ અને પ્રભુસ્મરણ કરવાનો સમય રહે, અને કોઈ પણ ધનિકના ધનને ઢગલો એવડો મોટો ન વધી જાય કે જેથી એ ધનના ઢગલાને જોનારનું કે એ ઢગલા ઉપર બેસનારનું મન ફટકી જાય ! વ્યક્તિ વ્યક્તિ વચ્ચે અને કામ કામ વચ્ચે, સમાનતા વ્યાપી જાય એવી એની રાજયકુશળતા.

જમીન ધાન્યના ઢગલા આપતી હતી એ વાત સાચી, પરંતુ મહારાજ કુલશેખર જોઈ શક્યા કે બાજરી વાવી બાજરી જ લણાતી; બાજરી વાલીને ચોખા ઉપજાવી શકાતા નહિ ! અને ચોખા વાવીને તેમાંથી ઘઉંનાં ખળાં ભરી શકતાં નહિ ! કુલશેખરે મિશ્રણના કંઈ કંઈ પ્રયોગ કર્યા–કરાવ્યા, પરંતુ રાજસત્તાને જાયફળમાંથી કેરી ઉપજાવવાની શક્તિ મળી હોય એમ લાગ્યું નહિ !