આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૨ : હીરાની ચમક
 


કારણમાં તો ડગલે ને પગલે મર્યાદા દોરાયે જાય. કુલશેખર પોતાનું રાજકાજ સારી રીતે કરતો હતો એ સાચું; પરંતુ એનો રાજવૈભવ. એનો રાજદબદબો અને એની સત્તાવાહી રાજાજ્ઞા, ધીમે ધીમે ભક્તિમાં પલોટાઈ અતિશય સૌમ્ય બનવા માંડ્યાં.

રાજદરબારીઓને અળગા કરી કુલશેખર સાધુસંતો અને ભક્તો તરફ વધારે ધ્યાન આપવા માંડે એ રાજપુરુષને ડંખવા લાગ્યું. અને રાજા તો વધારે અને વધારે પ્રમાણમાં સાધુસંતોને મહેલમાં અને પોતાની આસપાસ ફેરવતો થઈ ગયો; ભક્ત રાજવીની પ્રજા સુખી હતી. પ્રજાના સર્વ વર્ગો સંતુષ્ટ હોવાથી ગુનાઓ બનતા જ નહિ. પડોશના રાજવીઓ ભક્ત રાજવીનો પ્રદેશ ખૂંચવી લેવાને બદલે એની સીમાનું રક્ષણ થાય એવી મૈત્રી દાખવવા લાગ્યા; કારણ કુલશેખર તરફથી રાજકીય કે સૈનિક આક્રમણ થાય એવો ભય કોઈને હતો જ નહિ. ભક્તિની અતિશયતામાંથી, ભક્તોના ઝમેલામાંથી રાજાને મુક્ત શી રીતે કરવા એ મહાપ્રશ્ન દરબારીઓની પાસે પ્રત્યક્ષ થયો. અને એક દિવસ રાજમહેલમાં બૂમ ઊઠી કે રાજ્યના તોષાખાનામાંથી મૂલ્યવાન હીરાઓ ચોરાઈ ગયા છે.

રાજમહેલ રાજમંદિર રહ્યો ન હતો, પરંતુ તે સાધુસંતોનો એક અખાડો બની રહ્યો હતો. છતાં બૂમો ઊઠી તે મહારાજા કુલશેખરના કાન સુધી પહોંચ્યા વગર રહી નહિ. અને બૂમની સાથે આરોપ પણ ધીમે ધીમે ઘટ્ટ થવા માંડ્યો... રાજમહેલમાં સાધુસંતોનાં ઝુંડ ફર્યા કરે… ભક્તોની અવરજવર બધે જ... શયનગૃહ હોય કે સભાગૃહ હોય, રાત હોય કે દિવસ હોય, જોગટાઓ બધે જ ફરતા હોય !... ભક્તોને કહે કોણ ? અને કહે તો સાંભળે કોણ ? બધા સાધુઓ કંઈ સરખા હોય છે ? લક્ષ્મી દેખી મુનિવર ચળે… આમ જુદી જુદી ઢબે આરોપો પણ રાજા કુલશેખરને કાને પહોંચી ગયા.

રાજાએ કર્મચારીઓને બોલાવ્યા અને તપાસ શરૂ કરી. હીરા ખોવાયા હતા એ વાત સાચી. હીરા ખોવાય તેની રાજાને ખાસ ચિંતા પણ ન હતી; પરંતુ રાજવી તરીકે રાજમહેલમાં બનતો ગુનો શોધી