આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૦ : હીરાની ચમક
 


‘શરદ ! તને આજે શું થયું છે ? તું કોઈના ઉપર ચિડાયો છે ? મારા ઉપર કાંઈ ખોટું લાગ્યું છે ?’ માધવીએ જરાક તેની બાજુમાં બેસી તેનો હાથ પકડી પૂછ્યું.

‘મને જે થયું હશે તે ખરું. તું તારી મેળે જા. અને જેટલા મિત્રો, ઓળખીતાઓ અને સગાંવહાલાંઓ હોય તેમને રાજી કર.’

માધવીનું મુખ એકાએક તંગ બની ગયું. સ્વપ્ને પણ નહિ ધારેલા ભાવ પોતાના પતિના હૃદયમાં ઊછળી રહ્યા હતા એ તેને અસહ્ય લાગ્યું. તે ઊભી થઈ. ક્ષણભર પતિ સામે જોયું. અને વાંકી ભ્રૂકુટિ કરી તેણે જરા પગ પછાડી ચાલવા માંડ્યું.

એકાએક શરદ ઊભો થયો અને તેણે બૂમ પાડી :

‘ક્યાં જાય છે?’

‘તું જાણે છે પછી મને કેમ પૂછે છે?’ માધવીએ પણ જરા સખતાઈથી જવાબ આપ્યો.

‘મને મૂકીને શું જવું છે?’

‘મેં ક્યાં કહ્યું કે હું તને નથી લઈ જવાની ? તને સાથે લેવા માટે તો હું અહીં આવી છું.’

‘એટલે તું મને સાથે લે’ એમ ? મારી સાથે તું નહિ, ખરું ને?’

‘તને કંઈ વળગાડ તો નથી વળગ્યો ને?’ સહેજ હસીને મુખ ઉપરની તંગ રેખાઓ હળવી બનાવીને માધવીએ કહ્યું. માધવીને લાગ્યું કે કોઈ પણ કારણે આજ હઠ અને રોષમાં આવેલા પતિને સહજ હળવાશથી, સહજ હાસ્યથી, મુલાયમ બનાવી શકાશે. પરંતુ શરદના મુખ ઉપર એક હઠની રેષા વધારે વધી અને તેણે કહ્યું :

‘હા, મને વળગાડ વળગ્યો છે.’

‘તો કોઈ ભૂવાને બોલાવીએ !’ હજી હાસ્ય ચાલુ રાખી માધવીએ કહ્યું.

‘જેમાં તેમાં તેને પરપુરુષ જ સાંભર્યા કરે છે ! બોલાવવામાં