આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રૂપનો ઈજારદાર : ૧૮૭
 


શરદ બૂમ પાડી ઊઠ્યો :

‘ક્યાં જાય છે, માધવી ?’

માધવીએ પાછું ફરી ન જોતાં આગળ ડગલાં મૂક્યે રાખ્યાં. અને ગૃહના પ્રવેશદ્વાર નજીક આવી ચઢી. ઉશ્કેરાયેલો શરદ તેની પાછળ ગયો, અને ઘરની બહાર પગ મૂકતાં જ માધવીનો હાથ ઝાલી તેણે કહ્યુ:

‘બહાર ક્યાં જાય છે ?’

‘મને જયાં ફાવશે ત્યાં હું જઈશ મારો હાથ છોડો.’

‘હું તારો પતિ છું તે વાત તું ભૂલી જાય છે, ખરું ?’

‘હું નથી ભૂલતી, તું ભૂલે છે. રક્ષણ આપી શકે તે પતિ, રક્ષણ ન આપે તેને શું નામ આપવું એની મને ખબર નથી. તું મારો પતિ નથી. તું મારો એક જુલમી પહેરેગીર છે. તારા પહેરામાં હું હવે નહિ રહી શકું.’

‘રીતસરનાં લગ્ન કરી આપણે પતિપત્ની બન્યાં છીએ, એ તને યાદ આપવું પડશે?’

‘હા, એ મને યાદ આપવું પડશે, અને તે અદાલતમાં જઈને તારી પત્નીનો કબજો મેળવવા તું કોર્ટમાં દાવો લાવજે. તે સિવાય તારો કબજો મેં ફેંકી દીધો છે.’ કહીં માધવી હાથ છોડાવી એકાએક ઘરનાં પગથિયાં ઊતરી ઝડપભેર કમ્પાઉન્ડની બહાર ચાલી ગઈ. શરદને માટે આ અનુભવ તદ્દન નવો હતો. સ્ત્રી રિસાઈ ઘરમાં બેસી રહે એ શક્ય હતું. પરંતુ આવી સુંદર ભણેલી, પ્રતિષ્ઠાસંપન્ન પત્ની તેનું ઘર છોડીને જાય, અને તે આમ નોકરચાકરોના દેખતાં, એ તેને કંપાવનારું દૃશ્ય થઈ પડ્યું હતું. માધવીની ઉગ્રતા અત્યારે સૌમ્ય બને એવી તેને લાગી નહિ. પ્રતિષ્ઠા તેને રોકતી હોત તો તે આમ ખુલ્લે છોગે તેનો હાથ છોડાવી કદી ચાલી ગઈ હોત નહિ. ગિરીશ નામના તેના કોઈક પ્રેમીએ માધવીને ભરમાવી છે, ચઢાવી છે, અને કંઈ ન બને તો ભગાડવાનો પણ પ્રયાસ કર્યો છે એમ એક પાસ તેને લાગ્યું. શું કરવું તેની એને કંઈ સૂઝ પડી