આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૮ : હીરાની ચમક
 

 નહિ. માધવી પાછી ફરશે એમ પણ તેને એક સંભવ લાગ્યો. પરંતુ માધવીને ગયે પા કલાક થયો, અડધો કલાક થયો, અને છતાં માધવી પાછી ફરી નહિ ત્યારે શરદનું હૃદય ધડકી ઊઠ્યું. અને કલાક થયો ત્યારે તો શરદનું મન હાથમાં રહ્યું નહિ અને આખું ભરેલું ઘર અને ભરેલું શહેર તેને તદ્દન ખાલી લાગી ગયું. તેના હૃદયમાં પણ વ્યથા ઉપજાવતી શૂન્યતા વ્યાપી રહી અને એકાએક તે ઊભો થયો, કાર મંગાવી અને કારમાં બેસી તેણે શૉફરને હુકમ આપ્યો :

‘ઝડપ વધારે રાખો.’

‘ક્યાં લઈ જાઉં, સાહેબ ?’ શોફરે પૂછ્યું.

‘જ્યાં લઈ જવાય ત્યાં. માધવીની પાછળ જવું છે અને એને પાછી લાવવી છે.’ શરદે કહ્યું. એનો હુકમ તદ્દન અદ્ધર હતો. બંગલામાં કાંઈ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો છે અને ‘બાઈસાહેબ’ કાંઈક ચાલ્યાં ગયાં છે એટલી હકીકત શૉફર સુધી પહોંચી હતી. અને આછીપાતળી જાસૂસી કરી ચૂકેલા શૉફરને આ બનાવની પાછળનું વાતાવરણ સહેજ માલૂમ હતું. ઓળખીતા, મિત્રો અને સગાંસંબંધીઓને ત્યાં શૉફરે કાર દોડાવી. અને બાઈ સાહેબની ભાળ કાઢવા પ્રયત્ન કર્યો. પરંતુ માધવીનો કોઈ પણ સ્થળે પત્તો લાગ્યો નહિ.

‘તળાવ ઉપર લઈ જા.’ કારમાં બેઠેલા શરદે શૉફરને આજ્ઞા કરી. કદાચ રીસ ચઢાવીને માધવી તળાવમાં ડૂબી જવા માટે ચાલી ગઈ હોય એવો હૃદય હલાવતો થડકારભર્યો અંદેશો શરદના મનમાં આવ્યો,

શોફરે ગામના સુંદર સરોવર ઉપર કાર લીધી. પૂનમનો ચંદ્ર આકાશમાં ખીલી રહ્યો હતો, અને આછાં વાદળાં ચંદ્રના તેજમાં રમતાં દોડતાં હતાં. ચંદ્રના પ્રકાશમાં સરોવર ઉપર એક નાનું મંદિર જોવામાં આવ્યું અને મંદિરની પાસે એક કાર ઊભેલી પણ શૉફરને દેખાઈ.

‘પેલી કાર દેખાય છે એ નવી કાર ગામમાં આવેલી લાગે છે.’ શોફરે શરદને કહ્યું.