આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૦ : હીરાની ચમક
 

 પાસે રાખડી બંધાવવા આવ્યો ! બહેનની આશિષ છે કે તું સો વર્ષનો થા, અને કદી પણ શંકા ન ઊપજે એવી પત્નીને પામ !’

ધસીને આવતા શરદનો રોષ એકાએક ઊતરી ગયો. સાપની કાંચળી જેમ ખંખેરાઈ ખરી જતી હોય તેમ શરદ બીજો જ શરદ બનીને આગળ આવ્યો. ગિરીશે અને માધવીએ શરદને નિહાળ્યો માધવી કાંઈ બોલી નહિ. ગિરીશે ધારી લીધું કે આવનાર યુવક માધવીનો પતિ શરદ જ હોવો જોઈએ. તેણે કહ્યું :

‘પધારો, શરદભાઈ !’ અને પાસે પડેલો એક પાટલો લેવા તેણે અંગુલિનિર્દેશ કર્યો.

‘હવે બેસવું નથી. માધવી અને માધવીના ભાઈને મારે ઘેર તેડી જવા આવ્યો છું.’

‘પણ શરદભાઈ ! હું માધવીનો સગો ભાઈ નથી. પરંતુ હું ભણતો ત્યારે અમારી બાલ્યાવસ્થામાં બહેને મને રાખડી બાંધી. એ રાખડીને પ્રતાપે હું અત્યંત ગરીબ અને નિરાધાર બાળક આજ મોટો ધનિક બની ગયો છું. મને લાગ્યું કે આજની બળેવે મારે ફરી બહેન પાસે રક્ષા બંધાવવી અને નવો આશીર્વાદ મેળવવો. વચમાં વર્ષોનાં વર્ષો વીતી ગયાં પરંતુ હું અને માધવી મળ્યાં ન હતાં. એટલે આજ સો માઈલ છેટેથી કાર લઈને હું બહેન પાસે આવ્યો છું.’ ગિરીશે પોતાનો લાંબો ઇતિહાસ ટૂંકાણમાં કહ્યો. શરદે પૂછ્યું નહિ કે ગિરીશ સીધો પોતાને ત્યાં કેમ આવ્યો ન હતો. શરદ તો જાણતો જ હતો. ગિરીશ ભેટ લઈને તારે ઘેર આવ્યો જ હતો પરંતુ શરદની આજ્ઞાએ તેને ઘરમાં પેસતો અટકાવી દીધો હતો. કદાચ માધવી ઘર બહાર નીકળી ત્યારે ફરીથી કાર લઈને ગિરીશ શરદના ઘર ભણી આવ્યો હોવો જોઈએ. અને રિસાયલી માધવીને જોઈ તેને કારમાં લઈ તે આ મંદિરના પોતાના ઉતારા ઉપર ચાલ્યો હોવો જોઈએ. વધારે પૂછપરછ કરવાની શરદમાં હવે શક્તિ રહી ન હતી. તેણે તો માત્ર એટલું જ કહ્યું :

‘માધવી ! ભાઈને ઘેર લઈ લે. અને ત્યાં મીઠું મોં કરાવ.’