આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હીરાની ચમક : ૧૯૯
 

 દર્શન થયાં. એટલું ઈનામ મારા જેવી દાસીને માટે ઘણું છે.’ યુવતી બોલી.

‘દાસી ! તારું નામ શું ?’ ઔરંગઝેબે પૂછ્યું.

‘આ દેહને હીરાને નામે સહુ કોઈ પોકારે છે.’ યુવતીએ જવાબ આપ્યો.

‘હીરા ! નામ પાડનારે બહુ જ સાચું નામ પાડ્યું છે. હું તને દાસીપણામાંથી મુક્ત કરી હીરા તરીકે મારે ગળે ભેરવી દઉં તો ?’

‘શાહજાદા ! આપની ખ્યાતિ તો એક ભારે મજહબી પરહેજગારની છે. આસમાનમાં ઝુલતા અફતાબને જમીન ઉપરનો આગિયો શું ખેંચી શકે ? અને તેમાં ય નામદાર ! હું બેગમ સાહેબાની બાંદી છું. જીવનભર આ મહેલાત સાથે જડાયેલી છું.’ સહજ નિઃશ્વાસ સહ હીરા બોલી; અને આવા એક રાજપુત્ર સાથે આટલી લાંબી વાત તેનાથી થઈ ગઈ તેને માટે તોબાહ કરતી તેણે શાહજાદાને સલામ કરી, પીઠ ફેરવી આગળ પગલાં ભર્યા.

‘હું માશી પાસેથી તને માગી લઉં તો ?’ હીરાની પીઠને ઔરંગઝેબે સંભળાવ્યું. ક્ષણભર મુખ પાછું ફેરવી ઔરંગઝેબ તરફ ન સમજાય એવી દૃષ્ટિ નાખી હીરા ઝટપટ ત્યાંથી મહેલમાં ચાલી ગઈ. જતાં જતાં તેણે ઔરંગઝેબના હૃદયને મીઠો પરંતુ અસહ્મ ઘાવ કર્યો. સ્ત્રી અને સંગીત બંનેથી પર રહેવા મથતો શાહજાદો આજ સ્ત્રીલુબ્ધ બની ગયો.

ગુલામો, દાસીઓ અને બાંદીઓની એ યુગમાં કાંઈ ભારે કિંમત ન હતી. વળી એ ભેટ સોગાદમાં કે દહેજમાં આપવા જેવી માનવવસ્તુઓ ગણાતી હતી. માશીને પોતાના માનીતા ભાણેજનું મન જોતજોતામાં સમજાઈ ગયું. અને તે જ દિવસે ઔરંગઝેબને હીરાની ભેટ મળી. પરિણીત બેગમની નજર બહાર દાસીઓના દેહ સાથે માલિક ફાવે તે રમત રમી શકતો. ઔરંગઝેબે તે રાત્રિએ દાસી હીરાને પોતાના શયનગૃહમાં બોલાવી તેની પાસે સંગીત સાંભળવા આગ્રહ કર્યો. હીરા પોતાની ગાયકી માટે બહુ જ વખાણાતી. ઔરંગઝેબના શયનગૃહમાં