આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૨ : હીરાની ચમક
 

 પણ છે એ સાચો દર્શાવવા હું મારા પ્રિયતમને પાક મજહબમાંથી નીચે તો ન જ ખેંચી લાવું. બસ, નામવર ! હવે આપ કહો એટલે હું મારું ગીત શરૂ કરું !’ કહી હીરા ઊભી થઈ અને તેણે સુરાઈ, પ્યાલો અને શરાબ ત્રણે બારીમાંથી નીચે ફેંકી દીધાં અને ઔરંગઝેબને ભ્રષ્ટ થતાં બચાવી લીધો.

એ રાત્રે ઔરંગઝેબે હીરાનું સંગીત પણ સાંભળ્યું. બીજે દિવસે વચન આપ્યા પ્રમાણે તેણે હીરાને બેગમનું માનવંતું સ્થાન આપ્યું.

એ જ ઔરંગઝેબની સુપ્રસિદ્ધ બેગમ પ્રિયતમા હીરા ઝહીનાબાદી.

રાત્રે સૂતી વખતે ઔરંગઝેબે અલ્લાની ખૂબ પ્રાર્થના કરી. અને હૃદયને આભારની લાગણીથી ભરી દીધું. એ આભારની લાગણીમાં પ્રભુ સાથે હીરાનો પણ ભાગ હતો.

માત્ર પ્રાર્થના કરી રહ્યા પછી સૂતાં સૂતાં તેના કાનમાં એક ભણકાર વાગ્યો :

‘જય જમનામૈયા કી.’

અને ઘડીભર ઔરંગઝેબની દષ્ટિ સમક્ષ ઔરંગઝેબનું ભવિષ્ય ભાખી રહેલો પેલે જમનાકિનારાનો સાધુ ભાસ રૂપે દેખાયો.