આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨ : હીરાની ચમક
 

 હાથમાં લીધું. કડકાઈની જરૂરી પૂરી એક અઠવાડિયું પણ ન ચાલી. અડધું પડધું લખતી વાંચતી જયા ઘરકામ સાથે રાતદિવસ હવે લેખનવાચનમાં જ લીન થઈ ગઈ, અને ચારેક માસમાં તો માસ્તર સાહેબને ત્યાં હતાં એટલાં કવિતાનાં અને વાર્તાનાં પુસ્તકો જયાએ વાંચી નાખ્યાં, અને સરસ પ્રેમપત્રો લખવાની આતુરતાપૂર્વક શક્તિ કેળવી.

પછી તો ધનિક વેવાઈએ જયાના આખા કુટુંબને શહેરમાં બોલાવી લીધું, જયાના પિતાને ભારે વ્યાપારમાં ભાગીદાર બનાવ્યા અને જયાના ધામધૂમથી લગ્ન પણ થયાં. પતિ સાથે જયા પરદેશ પણ જઈ આવી અને એ કુટુંબ સુખી છે એટલું જાણી સંતોષ મેળવી ગિરિજાશંકર માસ્તરે એ આખી વાતને પોતાની અનેક સ્મૃતિએના પુંજમાં સામાન્ય સ્મૃતિ તરીકે મૂકી રાખી.

પરંતુ સુખી જીવન અનુભવી રહેલી જયા આ પરમ ભવ્ય ઉપકાર કેમ ભૂલે ? આમંત્રણ આપ્યા છતાં કદી પોતાના નગરમાં ન આવતા આ ગૌરવશાળી શિક્ષક પાસે અંતે એ સુધરેલી શણગારાયેલી જયા પોતે જ આવી, અને પોતાના જીવનમાં પરિવર્તન કરનાર મહાન શિક્ષકને આંસુભરી આંખે પગે પડી.

સ્મૃતિનું પડ તો ખૂલેલું જ હતું. શાળા ગઈ તે જ દિવસે એક જીવનને શિક્ષક તરીકે સુખી કર્યાનો ઇતિહાસ અજબ રીતે માસ્તર સમક્ષ રજૂ પણ થયો. એમાં પોતે કંઈ વધારે કર્યું હોય એમ એમને લાગ્યું પણ નહિ. માત્ર એટલું જ કે પોતાના ભણતરનો ઉપયોગ થયો ! અલબત્ત, એમાં જૂઠાણું તો હતું જ; અને વર્ષો સુધી તેમના મનમાં એ પ્રશ્ન ડહોળાતો પણ હતો કે તેમણે જે જૂઠાણા ઉપર જયાના સુખની રચના કરી હતી તે પાપ હતું કે પુણ્ય? શિક્ષકહૃદયમાં આવા ડહોળાણ વખતોવખત થયા કરે છે ખરાં. એ પ્રશ્ન ફરી પણ અત્યારે તેમના મનમાં ઉદ્‌ભવ્યો. એ પ્રશ્નનું જોર ન વધે એ માટે તેમણે જૂની સ્મૃતિને ઝડપથી સંકેલી લઈ પૂછ્યું :

‘આ સાથમાં કોણ છે?’