આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨ : હીરાની ચમક
 

 પ્રભાતે નદી ઉપર સ્નાન કરવા જતાં એક સહીપણીને તેણે પૂછ્યું,: ‘હવે મારે કયું શાસ્ત્ર શીખવાનું રહે છે?'

સહીપણીએ એકદમ થોભી, અરુંધતીને પણ તેને ખભા પકડી થોભાવી. તેની સામે જોઈ રહી, નયનમાં તોફાન લાવી જવાબ આપ્યો : ‘તારા શરીર સામે તું કદી જુએ છે ખરી ?’

‘હા, ઘણું બદલાયું, હું આવી તે કરતાં.’ અરુંધતીએ જવાબ આપ્યો.

‘તું આવી ત્યારે પાંચ વર્ષની હતી. તારે આવ્યાને બાર વર્ષ તો થઈ ગયાં. તારું શરીર જ તને કયું શાસ્ત્ર શીખવું તે કહેશે.’ એમ કહી સખી ખૂબ હસી ને તેનો ખભો છોડી દીધો.

સખીનું આટલું સૂચન અરુંધતીને એના દેહ તરફ દોરતું ગયું. હાથના સ્પર્શે તેને કંપ ઉપજાવ્યો. વસ્ત્રો–વકલો–પહેરતાં તેણે કોઈ લજ્જાનો ભાવ અનુભવ્યો. સૂર્યનાં કિરણો તેને કદી સ્પર્શતાં ન હતાં તે હવે તેના મુખને સ્પર્શતાં હોય એમ લાગવા માંડ્યું. તે ચાલવામાં ભૂલ કરતી હતી કે કેમ તેનો એને ખ્યાલ કરવા માંડ્યો. કેમ બેસવું અને કેમ ઊભા થવું એનો કદી એને વિચાર આવ્યો ન હતો; હવે તેને એક પ્રકારનું ભાન થવા લાગ્યું કે બેસતાં, ઊઠતાં, તેણે દેહ તરફ વધારે ધ્યાન આપવું જોઈએ. આજ સુધી તેને મોટેથી બોલવામાં, મોટેથી હસવામાં જરા યે સંકોચ થતો ન હતો; હવે એકાએક તેને લાગવા માંડ્યું કે તેણે પોતાની સખીઓને બહુ મોટેથી બૂમ પાડી બોલાવવી ન જોઈએ, અગર સહુ સાંભળે તેમ તેણે હસવું પણ ન જોઈએ. કેશમાં ફૂલ ગૂંથતાં તેણે વધારે કલા વાપરવા માંડી; સ્થિર પાણીમાં પોતાનું મુખ વધારે વાર જોવા માંડ્યું. કોઈ અગમ્ય સંસ્કૃતિ અને આળસનો અનુભવ તેના દેહે કરવા માંડ્યો. ગાયને, વાછરડાંને ને આશ્રમમાં હરણ સસલાને વધારે પંપાળવાનું તેને મન રહ્યા કર્યું.

ઉપનિષદ્ કહેતાં હતાં કે આત્મા અનાસક્ત છે, અવિક્રીય છે,