આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩
સાચી અર્ધાંગના :
 

 ઉદાસીન છે, દ્રષ્ટા છે; ત્યારે આ નવાં સ્ફૂરણ માત્ર દેહ જ અનુભવતો હતો ? નહિ, અરુંધતીનાં મન, બુદ્ધિ, ચિત્ત ને અહં – એ સઘળાં કાંઈ ને કાંઈ નૂતનતા અનુભવતાં હતાં. આત્મા અસ્પૃશ્ય જ હોય તો આત્મા એનાં વેષ્ટનોને આ બધા ભાવ કેમ અડકવા દેતો હશે? દેહને આ આકાર આપનાર આત્મા કે આત્માને પ્રગટ કરનાર દેહ? જે હોય તે. બંને પ્રાગટ્યને માટે પરસ્પર અવલંબન લેતાં હોય તો તો આત્માને છેક અલિપ્ત કેમ કહી શકાય? આ બધાં દેહ અને મનનાં સંચલનો શું એમ તે નહિ સૂચવતાં હોય કે આત્મા જ કંઈક માગી રહ્યો છે, કોઈ અપૂર્ણતા પૂર્ણ કરવા મથી રહ્યો છે?

શું હશે ? કોને પુછાય? કોણ જવાબ આપે? શિક્ષિકાઓ તો ન્યાયમાં, વ્યાકરણમાં, નિરુક્તમાં અવિક્રીય બ્રહ્મને જ ઓળખાવ્યા કરે છે. બ્રહ્મને ઓળખતાં વચમાં કંઈ નવું ઓળખવાનું બાકી રહે છે શું ? અરુંધતી એકલી એકલી વિચાર કરતી, અને પોતાના મનની મૂંઝવણ મનમાં જ રાખતી. અનુભવી બ્રહ્મવાદિનીઓ બ્રહ્મને પિછાનતા પહેલાં જે જે સોપાન ચઢવા પડે તે તે સોપાન નહોતાં સમજતાં એમ નહિ. અરુંધતીની વિકલતા છુપાવ્યા છતાં સાવિત્રીની દૃષ્ટિથી છૂપી ન રહી.

એક દિવસ સાવિત્રીએ કહ્યું : ‘અરુંધતી ! સંધ્યા પહેલાં બહુલાના આશ્રમે જરા જતી આવજે. સાયંપ્રાર્થનામાં તારી જરૂર છે એમ બહુલાનો સંદેશો આવ્યો હતો. આજથી જ જવા માંડ.’

ગુરુની આજ્ઞા પ્રમાણે અરુંધતીએ બહુલાના આશ્રમમાં જવાની તૈયારી કરી. આમ તો અરુંધતી ઘણી સાદી ગણાતી હતી, પરંતુ આજ તેના વલ્કલમાં કંઈ અવનવો ખૂણો આવ્યો દેખાતો હતો. કાને તેણે કદી ફૂલ પહેર્યા ન હતાં; આજ તેણે કર્ણિકાર પુષ્પ કાને લટકાવ્યાં હતાં. એને જતી જોઈ એની સખીએ ‘વાહ વાહ !’ નો ભાવ વ્યક્ત કરતી મુદ્રા પણ કરી અને તેને કાનમાં ધીમે રહીને કહ્યું પણ ખરું: ‘અલી જોજે, કોઈ દેવ, દાનવ કે માનવ તને ઊંચકી ન જાય !’