આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮ : હીરાની ચમક
 


જાણીતા માર્ગે જ ગઈ, ને આશ્રમની કરવા જેવી વ્યવસ્થા કરી અધિષ્ઠાત્રી સાવિત્રી સાથે તે સૂતી પણ ખરી. કોણ જાણે કેમ, આખી રાત તેને નિંદ્રા જ ન આવી ! અને નિંદ્રા આવી તે સ્વપ્નોના ભંડાર ઉઘાડતી આવી. અલબત્ત, એ સ્વપ્નમાં રાજમહેલ નહોતા, રથસુખપાલ ન હતાં, દાસ દાસીઓ ન હતાં; સ્વપ્નોમાં તપોવન, તપ અને તાપના અનુભવો જુદે જુદે સ્વપરૂપે થયાં કરતાં હતાં. પરંતુ સાથે સાથે તપોવન, તપ, અને તાપ એ ત્રણેનું મધ્યબિંદુ એક તપસ્વી જ હતો ને એ તપસ્વી વસિષ્ઠ જ હતો એ વૈચિત્ર્ય વધારાનું !

અણધાર્યાં સ્વપ્ન યુવક અને યુવતી બંનેને અસ્વસ્થ બનાવ્યા વગર રહેતાં નથી. અરુંધતીની રાત્રિ તો અસ્વસ્થતામાં ગઈ. પરંતુ એનું પ્રભાત પણ બેચેનીમાં ગયું. તપોવનનું વાતાવરણ તો પવિત્ર જ હોય. ને આર્ય આશ્રમમાં વિકાર ભરેલું વાતાવરણનું સર્જન સુરુચિકર તો ન જ લાગે ને ? અરુંધતીએ વાંચ્યું – વિચાર્યું ઘણું હતું. શાસ્ત્રપ્રાવીણ્ય તેનું એટલું હતું કે સ્ત્રી-પુરુષના સંબંધો તો છેક ન સમજે એમ તો માનવું અશક્ય જ ગણાય. છતાં એ સંબંધે તેની બુદ્ધિમાં પ્રવેશ કર્યો હશે તોપણ તેના હૃદયે એ ભાવ કદી ઓળખ્યો ન હતો. આજ એકાએક ધોધની માફક કોઈક નવો જ ભાવ તેના હૃદયને ઊભરાવી રહ્યો હતો. એ પુણ્ય હશે ? એ પાપ હશે ? સાત્ત્વિક ભાવથી દૂર હડસેલનાર કોઈ પણ વૃત્તિ સદ્‌વૃત્તિ ન જ ગણાય એ આશ્રમનું શિક્ષણ. અને આજની રાત્રિ તો અરુંધતીએ એવાં સ્વપ્નમાં ગાળી હતી. કે જેમને સાત્ત્વિક ભાવ કહેતાં અરુંધતીને જરૂર સંકોચ થાય.

સખીઓ સાથે તે પ્રાતઃસ્નાન કરી આવી, આશ્રમનું પ્રાત:કાર્ય કર્યું, સંધ્યાવદન અને યજ્ઞયાગાદિ પણ થઈ ગયાં અને વિદ્યાર્થીનીઓ વિદ્યાભ્યાસમાં ધ્યાનસ્થ બની ત્યારે સાવિત્રીએ અરુંધતીને એકાંતમાં પોતાની પાસે બોલાવી પૂછ્યું : ‘દીકરી ! આજ કેમ તું અસ્વસ્થ લાગે છે ?’ અને એ પ્રશ્ન થતાં જ અરુંધતીની આંખમાં અશ્રુ ઊભરાયાં. તેનાથી કાંઈ જવાબ આપી શકાયો નહિ.