આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




અણધાર્યો મેળાપ

સમુદ્રની ભરતીના જુવાળની છોળો સર મહેન્દ્રપ્રતાપના બંગલાનાં પગથિયાંને અફળાઈ, દૂધવર્ણી બની પાછી સમુદ્રમાં સરી જતી હતી. સમુદ્ર સમુદ્રનું કામ કરતો હતો અને બંગલો બંગલાનું કામ ! બંગલાના ત્રીજા માળની વિશાળ અગાશી ઉપર અદ્‌ભુત ઉપવન રયાયું હતું અને તેમાં એક સુંદર સમારંભ પણ ગોઠવાયો હતો. મહેમાનો મોટે ભાગે સજોડે – પધાર્યે જતાં હતાં અને સર મહેન્દ્રપ્રતાપ અને લેડી સુવર્ણાદેવી હસતે મુખે સહુને આવકાર આપી રહ્યાં હતાં. સમારંભમાં ન્યૂનતા ન જ હોય – એ એક મહાન ધનિકનો સમારંભ હતો ! આજની પેઠે ત્યારે પણ સમારંભો રૂપ, રંગ, ચમક અને પ્રકાશનાં પ્રદર્શનો બની રહેતાં. સર મહેન્દ્રપ્રતાપ કેટલું ભણ્યા હતા તે કોઈને જાણવાની જરૂર ન જ હોય. તેમના ‘સર’ પણામાં બધું ભણતર આવી જતું હતું. અત્યારે તો તેમનો એકનો એક પુત્ર અમરપ્રતાપ યુનિવર્સિટીની છેલ્લી પરીક્ષામાં ઊંચા વર્ગમાં પસાર થયો હતો અને તેની આજ ઉજવણી હતી. દોઢેક કલાકની ઉજવણી પછી સ્વાભાવિક રીતે મહેમાનોની વિખરાવાની ક્રિયા શરૂ થઈ. મહેમાનોની શિખામણ અને તેમના ધન્યવાદ પામતો અમર હવે માતાપિતાની પાસે એકલો પડ્યો. માતાપિતાનાં સુખવૈભવમાં જેમ પુત્રનો ભાગ હોય છે તેમ પુત્રના ઉત્કર્ષમાં માતાપિતાનો પણ ભાગ હોય છે. સર મહેન્દ્રપ્રતાપ ભારતવર્ષના એક અજોડ ધનપતિ અને ઉદ્યોગપતિ હતા. નાના નાના કૉન્ટ્રેક્ટમાંથી તેઓ જોતજોતામાં આગળ આવી ગયા અને ધનપતિ બની ગયા. અને ધનપતિમાંથી તેઓ ઉદ્યોગપતિ