આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અણધાર્યો મેળાપ : ૩૭
 


હતી. મુનિમ દ્વારા, મેનેજર દ્વારા, સેક્રેટરી દ્વારા, સુવર્ણા દેવીને અંગ્રેજી શીખવવા આવતી શિક્ષિકા દ્વારા અથવા કોઈ પણ રીતે અમર પોતાની ઊર્મિ જાહેર કરી શકે એમ હતું; અને એ જાહેર કરવાને માટે તેને સર્વ બાજુએથી પ્રલોભન પણ મળતું હતું. પરંતુ તપસ્વી મુનિઓ વશ થાય એવું પ્રલોભન અમર સામે નિષ્ફળ કેમ નીવડતું હતું ?

અમરની આરપાસ થોડીઘણી જાસૂસી પણ શરૂ થઈ ગઈ. પરંતુ એકાએક સુહાસિનીની ચબરાકીભરેલી વાતચીતમાંથી માતાપિતાને કાંઈક ઝાંખી થઈ કે નંદિની નામની કોઈ અમરની સાથે ભણતી સામાન્ય સ્થિતિનાં માતાપિતાની યુવાન પુત્રી તરફ અમરનું લક્ષ દોરાયું હતું. ગરીબની કક્ષાને લાત મારી, સામાન્ય કક્ષાએ આવી, એ કક્ષાને પણ ભોંયભેગી કરી ઉચ્ચ કક્ષાએ – અરે ઉચ્ચ કક્ષાની ટોચે આવી પહોંચેલા સર મહેન્દ્રપ્રતાપ અને લેડી સુવર્ણાને હવે સામાન્યતાનો સ્પર્શ કરવા પણ સૂગ ચઢે એમ હતું. હજી પુત્રે તો પોતાનું વલણ સ્પષ્ટ કર્યું પણ ન હતું. છતાં આવા વલણની ઝાંખી પણ માતાપિતાને બેજાર તેમ જ ક્રુદ્ધ બનાવવા માટે પૂરતી હતી. તેમાં યે માતા કરતાં પણ પિતા વધારે ક્રુદ્ધ બની શકતા હતા એની અમરને ખબર હતી. માતૃત્વની સુંવાળાપ ઘણી વાર અમરનું રક્ષણ કરવા પણ મથતી હતી. ઘણી વાર તેઓ પણ કહેતાં :

‘જો ને, અમર ! સુહાસિની અને સુમંગલાનાં માતાપિતા તારા જન્માક્ષર માગે છે. તું સમજે છે ને એને અર્થ ?’

‘પણ હું જન્માક્ષરમાં માનતો નથી.’ અમરે જવાબ આપ્યો.

‘પણ તું લગ્નમાં માને છે કે નહિ ?’

‘હા.’

‘તો પછી જે તે નક્કી કરી નાખ. તારા પિતાની ઇચ્છા આપણી કક્ષા નીચે ઉતારવાની ન હોય એવી તો તને ખબર છે જ ને ?’ લેડી સુવર્ણા પુત્રને આમ સૂચન આપતાં હતાં અને અંતે એક દિવસે સર મહેન્દ્રપ્રતાપે જ આ વસ્તુને પોતાની દેખરેખ નીચે લાવી દીધી અને અમરને પૂછ્યું :