આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અણધાર્યો મેળાપ : ૪૧
 

 બેઠાં હતાં અને બન્નેનાં મુખ ઉપર એક પ્રકારનો નિશ્ચય તરવરી રહ્યો હતો. જાણી જોઈને તે પોતાનાં માતા પિતા પાસે ન જતાં પોતાના જ ખંડમાં ચાલ્યો ગયો. પરંતુ સુવર્ણા દેવી તેની પાછળ આવ્યાં, તેને પોતાની પાસે બેસાડ્યો અને તેને વાંસે હાથ ફેરવી તેના મનને મનાવવાનો પ્રયત્ન કરવા લાગ્યાં. ધીમે ધીમે તેમણે અમરને લગ્નની વાતચીતમાં દોર્યો, અને આજે જ તેણે માગેલી સાત દિવસની મુદ્દત પૂરી થઈ છે એમ પણ જણાવ્યું.

એટલામાં સર મહેન્દ્રપ્રતાપ પણ ફરતા ફરતા પુત્રના ખંડ તરફ આવી પહોંચ્યા અને તેમણે પુત્રની સામે સ્થાન લીધું. ઘડિયાળમાં બરાબર આઠના ટકોરા થયા અને પિતાએ પૂછ્યું

‘અમર ! સાંભળ આ ઘડિયાળ. આપેલી મુદ્દતના સાત દિવસ અત્યારે પૂરા થઈ જાય છે.’

‘કઈ મુદત ? શાની મુદત ?’ અમરે જરા ચમકીને પૂછ્યું.

‘એમ કાલા બનવાની જરૂર નથી. લગ્ન માટે મેં તને ત્રણ યુવતીઓ પસંદ કરવાનું કામ સોંપ્યું છે; એ પસંદગીનો જવાબ હું તારી પાસે અબઘડી માગું છું.’ પિતાએ જરા સખ્તાઈથી કહ્યું.

‘પણ, પિતાજી ! ઘડિયાળને ટકોરે એવા જવાબ આપી શકાય ખરા?’ અમરે આજ અણધારી હિંમત બતાવી.

‘હા ભણતર ફળ્યું લાગે છે, અમર ! પરંતુ મારા ગણતરમાં આજનો દિવસ અને આજની ઘડી છેલ્લાં જ છે. ત્રણ છોકરીઓમાંથી એકનું નામ મોઢેથી કે લખીને આપી દે !’ સર મહેન્દ્રપ્રતાપમાં એક દક્ષ, સફળ પુરુષનું રૂપ પ્રકાશ્યું.

‘પણ, પિતાજી !...’ અમરથી વાક્ય પૂરું થઈ શક્યું નહિ.

‘પણ બણ કંઈ નહિ. તારી માતા અહીં પાસે બેઠી છે. બાળકોને પટાવવામાં હું માનતો નથી. તારાથી અત્યારે જવાબ ન અપાય તો આવતી કાલથી આ ઘર તારું ના હોય એમ માનજે !’ એમ કહી સર મહેન્દ્રપ્રતાપ ઊભા થઈ ગયા. સુવર્ણાદેવી થરથરી ઊઠ્યાં. અને અમરે પણ ટૂંકો જવાબ આપ્યો :