આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અણધાર્યો મેળાપ : ૪૫
 

 હાજર થઈ ગયાં.

સર મહેન્દ્રપ્રતાપે તો ધાર્યું હતું કે બગીચામાં પહોંચતાં પહોંચતાં ખૂનામરકીના કંઈક સમાચારો તેમને મળશે; પોલીસ અને મિલિટરીના દંડા, બંદૂકો અને ફરમાન ત્યાં ફરતાં હશે; કારખાનું અને ઑફિસ ભડકે બળતાં હશે અને સરકારી સલામતી શોધ્યા સિવાય તેમનાથી બગીચામાં પ્રવેશ પણ થઈ શકશે નહિ. રસ્તામાં બીજું કાંઈ નહિ તો એ જાતના સમાચારો પણ તેમને મળતા રહેશે. પરંતુ તેમની ધારણા સાચી પડી નહિં. કોઈએ તેમને તોફાનના સમાચાર પણ આપ્યા નહિ, તેમ તેમને રોક્યા પણ નહિ. અને તેઓ સડસડાટ બગીચામાં પેસી શક્યા. પ્રત્યેક ક્ષણે તેમના આવવાની રાહ જોતા નાનામોટા કર્મચારીઓ વ્યવસ્થાસર ઊભા હતા અને બગીચામાં પ્રવેશ કરતાં મજૂરોના વ્યવસ્થિત ટોળાંએ તેમનો જયનાદ પણ કર્યો. અને તેમના ઉપર ફૂલનો વરસાદ વરસાવ્યો : જ્યારે મહેન્દ્રપ્રતાપ તો પથ્થરના વરસાદની આશા રાખીને આવ્યા હતા. હર્ષનાદ વચ્ચે તેઓ કચેરીનાં પગથિયાં પાસે કારમાંથી ઊતર્યા અને મેનેજરને પૂછ્યું :

‘આ બધું શું ? હું તો જુદી જ ધારણાથી અહીં આવ્યો હતો.’

‘એક રાતમાં આખી વાત બદલાઈ ગઈ, સાહેબ ! નહિ તો અમે પણ ખૂનામરકીની હવામાં જ બેઠા હતા. આપ અંદર પધારો, સ્વસ્થ થાઓ અને હું આપને એ હકીકત જણાવું છું.’ મેનેજરે જવાબ આપ્યો અને તેણે શેઠ સાહેબને દમામભરી ઑફિસમાં લીધા. ઉચ્ચ અધિકારીઓએ તેમનો સુંદર સત્કાર કર્યો અને ‘સર’ને ઘટે એવી ચાની પણ વ્યવસ્થા કરી દીધી. ચા પીતાં પીતાં થયેલી વાતચીતમેનેજરે આઠનવ માસથી આવેલા એક યુવાન ગ્રેજ્યુએટ કારકુનની બાહેશીની અત્યંત પ્રશંસા કરી અને સમાધાનીનો આખો યશ એ યુવાનને આપી દીધો.

‘શેઠ સાહેબ ! છેવટની ઘડીએ એ યુવાન વચ્ચે પડ્યો ન હોત તો આ બગીચો અત્યારે ધરતીકંપ અને જ્વાલામુખીનો પદાર્થપાઠ આપતો હોત.’ મેનેજરે કહ્યું.