આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[૬]


દૃષ્ટિએ મુ. ભાઈસાહેબ કેટલા પ્રમાણમાં સફળતા પામ્યા છે એ સરવૈયું હું વિવેચકો ઉપર જ છોડું છું.

ગુજરાતમાં ટૂંકી વાર્તાનું સાહિત્ય હમણાં બહુ ઝડપથી વિકસતું જાય છે. મલયાનિલની ‘ગોવાલણ’થી શરૂ થયેલાં તેનાં કામણ ‘સવિતા’ માસિક તરફથી હમણાં જ પ્રસિદ્ધ થયેલા ગુર્જર વાર્તા વૈભવના સંગ્રહિત ગ્રંથો દ્વારા પણ હજી ચાલુ છે.

આ કલાપ્રકારનો પદ્ધતિસરનો ઇતિહાસ સમજવા મેં પુસ્તકો શોધવા પ્રયત્ન કર્યો. છુટાછવાયા લેખો સિવાય, સર્વાંગી ક્રમબદ્ધ વિવેચનનો અભાવ દેખાયો.

રામચંદ્ર શુક્લના નવલિકાસંગ્રહમાં, તેમ જ ‘બે ઘડી મોજ’ના ખાસ વાર્તા અંકોમાં આવેલા કેટલાક લેખો, શ્રી નરસિંહરાવ દિવેટિયા, શ્રી ધૂમકેતુ, શ્રી રામનારાયણ પાઠક, શ્રી વિશ્વનાથ મગનલાલ ભટ્ટ, શ્રી ગુલાબદાસ બ્રેકર અને શ્રી મનસુખલાલ ઝવેરી, તથા અન્ય થોડા લેખકના છૂટાછવાયા નિબંધ, એ આપણા નવલિકાસાહિત્યનો વિવેચનવિસ્તાર. આમાં આપણને આ ઇતિહાસ અને થોડું મૂલ્યાંકન મળે છે; પરંતુ તે ખૂબ જ અધૂરું લાગે છે.

બ્રિટિશ સાથેના સંપર્કથી વિકસી આવેલા, જૂની સામંતશાહી અર્થતંત્રમાંથી પ્રથમ બ્રિટિશ સંસ્થાન તરીકે અને પછી આઝાદ ભારત તરીકે નવા મૂડીવાદી ઔદ્યોગિક અર્થતંત્રવાળા ભારતીય સમાજમાં, જૂનાં સામાજિક જૂથો, સંસ્થાઓ, નિયામકબળો, સામાજિક સંબંધોના પ્રકારો, જીવનમૂલ્ય, કલ્પનાના રંગો અને ઊર્મિના આવેગોમાં પરિવર્તન થવા માંડ્યાં. ગુજરાતના અર્થતંત્રમાં, સમાજ વ્યવસ્થામાં અને મૂલ્યમાં આ પરિવર્તન એકંદરે વધુ પ્રમાણમાં થયું છે. જૂની જ્ઞાતિઓમાંથી નવા વર્ગો વિકસવા માંડ્યા, સામાજિક સંબંધોની કક્ષા બદલાવા માંડી. પરદેશી ધૂંસરી, નવું રાજ્યતંત્ર આર્થિક ઝંઝાવાતો, સામાજિક આંદોલનો અને રાજકીય ચળવળોથી