આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪ : હીરાની ચમક
 


પડ્યું હતું. માત્ર આ સ્થળે એક જ સુખ કલ્યાણીને હતું. પતિની નિંદા કરનાર ભાગ્યે જ આ બાજુ દૃષ્ટિ કરતાં.

રાત્રિનો સમય હતો. બહાર અંધકાર વ્યાપેલો હતો. સોમપ્રદોષની એ રાત્રિ હતી. અને કૌશિકના અંગછેડાઓ અતિશય પીડા કરતા હતા. કૌશિકે આખી દુનિયાને ગાળો દીધી; પોતાના ભાગ્યને ગાળો દીધી; ઈશ્વરને પણ ગાળો દીધી. એટલું જ નહિ પણ તેની સતત સેવા કરતી પત્નીને પણ તેણે ગાળો દીધી. ઘણી વાર માનવીને દુઃખ પડે છે ત્યારે તે દુઃખનાં કારણ બીજાને માથે ઢોળવામાં આનંદ માને છે. કુષ્ઠરોગી પતિનું ભાગ્ય લઈને આવેલી કલ્યાણી જાણે એના કુષ્ઠરોગનું કારણ હોય એમ એણે તે રાત્રિએ વર્તન કરવા માંડ્યું. કલ્યાણી ગાળોને ગણકારતી ન હતી. એ જાણતી જ હતી કે પતિનો અસહ્ય રોગ પતિના મુખમાંથી ગાળો બોલાવે છે. રોગિષ્ઠ માણસોની વાચા પણ રોગિષ્ઠ બની જાય છે. એમાં માનવી જ એકલો દોષપાત્ર છે, એના કરતાં એનો રોગ વધારે દોષપાત્ર છે એમ કલ્યાણી માને એમાં નવાઈ ન હતી. કૌશિકના કષ્ટપછાડા જેમ જેમ વધતા ગયા તેમ તેમ કલ્યાણીના હૃદયમાં વધારે ને વધારે ચીરા પડતા ચાલ્યા. એ જાણતી હતી એટલા બધા ઈલાજો એણે શરૂ કરી દીધા. અને આંસુ ભરેલી આંખે કૌશિકના દેહને જેમ બને તેમ વહેલી ટાઢક વળે તેવા પ્રયત્નો તેણે મુખ મચકોડ્યા વગર કરી દીધા.

અને એકાએક કૌશિકની આંખમાં આછી આનંદની ચમક ચમકી ઊઠી. કલ્યાણીએ પણ એ ચમક જોઈને કૃતકૃત્યતા અનુભવી અને સહર્ષ પૂછ્યું :

‘હવે જરા આતશ શમ્યો ?’

‘આતશનું શમન શરૂ થઈ ગયું છે.’ પતિએ જરા વધારે પ્રફુલ્લ મુખ કરી કહ્યું. પતિની આંખ ઝૂંપડીને ન જોતાં ઝૂંપડીની બહાર કંઈ નિહાળી રહી હોય એમ કલ્યાણીને ભાસ થયો. કલ્યાણીએ પણ ઝૂંપડીની બહાર નજર નાખી પાસેની ધર્મશાળામાં વસતા ધન્વંતરિ સરખા વૈદ્યરાજને સાભાર યાદ કર્યા અને કહ્યું :