આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬ : હીરાની ચમક
 


‘તને કહું કે ના કહું?’ પત્નીની પતિભક્તિનો બને એ લાભ ઉઠાવવાની કળામાં કૌશલ્ય મેળવી ચૂકેલા પતિએ કળાનો ઉપયોગ કર્યો.

‘મને નહિ કહો તો કોને કહેશો ? તમારા મનને અને તે જે રીતે સુખ થાય, જે માર્ગે સુખ થાય, એ માર્ગે જવા હું આજન્મ બંધાયેલી છું.’

‘આજ સુધી મને કદી શંકા આવી નથી કે તું મારું સુખ વાંચ્છતી નહિ હોય.’ પતિએ કળા વિસ્તારવા માંડી.

‘તો આજ શું શંકા આવી?’

‘ના. પરંતુ ભવિષ્યમાં પણ કદી શંકા ઊભી ન જ થાય, એમ સિદ્ધ કરવા માટે હું તારી પાસેથી એક માગણી કરું છું.’

‘તો એમાં વાર કેમ લગાડો છે ?’

‘જો, તું મારા આવા કષ્ટમાં મને થોડી પણ સુખની ક્ષણ આપવા ધારતી હો તો મને ટેકો આપી શિવમંદિરમાં લઈ જા.’ પતિએ કહ્યું.

અને હવે કલ્યાણી ખરેખર ચમકી. આવા રોગમાં પણ પતિને નૃત્ય-ગીત અને નર્તકીઓની શૃંગારરમતનો મોહ જરા યે ખસ્યો દેખાતો નથી ! કલ્યાણીએ કહ્યું :

‘પણ એ તો નૃત્ય ને સેવા પણ કરવા આવી છે. હવે એ બીજા કોઈને પોતાનું નૃત્ય કે પોતાનો દેહ વેચે એમ નથી.’

‘એ જે હોય તે. હું યે ક્યાં એનો દેહ કે એનું નૃત્ય વેચાતાં માગું છું ? શિવમંદિરમાં ભક્તજન તરીકે હું અને તું બંને બેસી શકીશું.’ પતિએ સરળતાભર્યું કારણ રજૂ કર્યું.

‘કૌશિક ! હવે હદ થાય છે. આજ તને ના કહેવાનું મને મન થાય છે.’ કલ્યાણીએ સીમા બહાર પહોંચી ગયેલા પતિનાં દુષ્કૃત્યોની સીમા હજી પણ વધારે વિસ્તૃત બનશે એમ ધારેલું નહિ.

‘માટે જ મને શંકા આવી. તારી પતિસેવા એ સાચી સેવા છે કે કેમ એનું અત્યારે જ પારખું.’ પતિએ કહ્યું.