આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮ : હીરાની ચમક
 


‘કલ્યાણી ! મને તું ઉપાડી ન લે ? હવે થોડાં ડગલાં રહ્યા છે, અને આ અંધકારમાં મને કે તને કોઈ દેખવાનું નથી.’

‘કોઈ દેખવાનું હોય તો પણ શું ?’ કહી કલ્યાણીએ પતિને ઉપાડવાની ચર્યા કરી. એટલામાં બાજુ ઉપરથી એક અત્યંત દુઃખિત પુરુષનો અવાજ સંભળાયો :

‘મને પાણી આપો !’

‘કોણ છે, ભાઈ તું?’ કલ્યાણીએ પૂછ્યું.

‘હું માંડવ્ય માનનો બ્રાહ્મણ છું. પાણી વગર હું મરતો પડ્યો છું. મને બચાવવો હોય તો દોડતી જઈને પાણી લઈ આવ.’ પાણી વગર તરફડતો બ્રાહ્મણ માંડવ્ય આર્જવપૂર્વક પાણી માગવા લાગ્યો.

એક બાજુ તૃષાતુર બ્રાહ્મણનો જીવ જતો હતો, બીજી બાજુએ મોહાતુર પતિનો પ્રાણ જતો હતો. પાંચપંદર ક્ષણમાં પતિને મંદિરમાં મૂકી તે પાણી લઈ આવે એમ હતું. એટલે કલ્યાણીએ કહ્યું:

‘ભાઈ માંડવ્ય ! પાંચ ક્ષણ ધીરજ રાખ. મારા પતિને મારે મંદિરમાં ઊંચકીને લઈ જવા પડે છે. ત્યાં મૂકી આવી તને પાણી પાઉં.’

‘નર્તનભોગી પતિની વાસના કરતાં અને મારી પાણીની જરૂર ઓછી લાગે છે, ખરું ? વાસનાવશ પતિને તૃપ્ત કરનારી તું સૂર્યોદય પહેલાં પતિવિહોણી થઈશ અને તારું સૌભાગ્ય નંદવાશે.’ માંડવ્યે કંપિત થઈને શાપ આપ્યો.

પતિસેવામાં તલ્લીન બનેલી કલ્યાણીથી પણ એકાએક બોલાઈ ગયું:

‘મારા પતિને મારાથી વિખૂટો પાડે એવો સૂર્ય કદી ઊગશે જ નહિ.’

અને કૌશિક, કલ્યાણી અને માંડવ્ય, ત્રણે એકદમ ક્ષુબ્ધ બની ગયાં. માંડવ્યે પતિને મૃત્યુ આપ્યું હતું; સતીએ પતિનું મૃત્યુ લાવનાર સૂર્યને જ અદૃશ્ય કરવાનો શાપ આપ્યો હતો; અને સૂર્ય ન ઊગે તે દિવસે આખા વિશ્વનું મૃત્યુ ઊપજે ! હવે શું કરવું ?

વિચારમાં ને વિચારમાં ત્રણે જણની રાત્રિ વીતી ગઈ. કૌશિકના દુઃખભરેલા દેહમાં એક વિચાર ઝબક્યો. આવો દેહ સજીવન રાખીને