આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬ : હીરાની ચમક
 


જણાવ્યા મુજબનો માલ ન હોય તો મારા પ્રામાણિકપણાએ એ વાત ગ્રાહકોને જાહેર કરવી કે ન કરવી ? જાહેર ન કરું તે હું અપ્રામાણિક ઠરું અને જાહેર કરું તો પેઢીના લાભની આડે આવું ! ખોટો પૈસો વાપરતા કારકુનની હું પ્રામાણિકપણે ચાડી ખાઉં તો મારી એ પ્રામાણિકતા માલિકને જરૂર ગમે. પરંતુ ચોખ્ખો માલ સીધો કાળા બજારમાં વેચી ભંગાર માલને સાચા માલ તરીકે ગ્રાહકને ઠસાવવાનું જો માલિક મને કહે અને તેમ હું ન કરું તો મારું પ્રામાણિકપણું પેઢીના લાભમાં ન જ ઊતરે ને ? આથી મેં જરા વિચાર કરી, સહેજ ગૂંચવાઈને જવાબ આપ્યો : ‘સાહેબ ! પ્રામાણિકપણું એ જ સાચામાં સાચો વ્યવહાર છે એમ સહુ કહે છે અને લાંબે ગાળે એમાં જ સફળતા રહેલી છે એટલે લાભની દૃષ્ટિએ પ્રામાણિકપણું જ ઉપયોગી ગણાય ને?’

‘એ બધાં સિદ્ધાંત હું જાણું છું. મને એ કહોને કે તમારી પ્રામાણિકતા કેટલું લાંબે ગાળે મને ઉપયોગી થઈ પડે ?’

‘એવી ગણતરી તે મેં કદી કરી નથી.’ મેં જવાબ આપ્યો.

‘તો હવે બરાબર ગણતરી કર્યા પછી મને ફરી અરજી કરજો. લાભ મળવાનો લાંબો ગાળો કેટલો તે મને જણાવવું પડશે. અત્યારે ભલે તમે જાઓ.’

આમ એ નોકરી મને ન મળી.

બીજી એક પેઢીના મેનેજર પાસે જવાનો પ્રસંગ આવતાં તેમણે મને પૂછ્યું : ‘હિસાબ લખતાં તે આવડે છે ને ?’

‘હા, જી. બહુ જ ચોખ્ખો હિસાબ રાખી શકું છું.’

‘અક્ષર તો તમારા સારા છે એ અરજી પરથી જ જોઈ શક્યો છું. હવે હું એમ પૂછું છું કે તમે એક વરસને ચોપડો કેટલા દિવસમાં લખી શકશો ?’

‘કેમ સાહેબ ? ચોપડા તો રોજના રોજ લખવા પડે. એમાં બીજી ગરબડ ચાલે જ નહિ.’

‘પણ આ તો વેપારનું કામ છે. બે ચોપડા જુદા રાખવા પડે.