આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દેહ અને દેહી: ૭૫
 


જે માગે તે આપવાને ભાગ્યે જ તૈયાર રહેતા. વાસનાનો સંયમ વાસનાતૃપ્તિ કરતાં વધારે ઉચ્ચ કક્ષાની માનવતા છે એમ માનનાર આ યુવાન ૠષિએ સૌંદર્ય સામે આંખ મીંચી, આહ્‌લાદ સામે આંખ મીંચી અને સ્ત્રી સામે પણ આંખ મીંચી. દેહ સંયમને માર્ગે વધારે વિકસિત થાય કે ઉપભોગને માર્ગે, એ વિષે પ્રાચીન કાળથી મતભેદ ચાલ્યા જ કરે છે, અને ઉપભોગ માગતું માનસ પણ સંયમને પોતાનાથી ઊંચી કક્ષાએ બેસાડે છે – સંયમ પાળતો હોય કે ન હોય તોપણ. દેહદમનનું વ્રત લઈ બેઠેલા જરત્કારુને તો ઉપભોગ ન જ આકર્ષી શકે એ સહજ ગણાય. સંભવિત છે કે સૌંદર્યોપભોગ દેહને ખિલાવટ આપતો હોય, ને સંયમ દેહને રુક્ષ પણ બનાવતો હોય. જરત્કારુના દેહને ઉપવાસ જર્જરિત બનાવતો જતો હતો, સાથે સાથે ઉપભોગના ઉલ્લાસ વગર જરાત્કારુનો દેહ રુક્ષ, દીપ્તિ રહિત, પ્રફુલ્લતા રહિત પણ બનતો જતો હતો. જેમ જરત્કારુનું ધ્યાન કોઈ યુવતીએ ખેંચ્યું નહિ, તેમ જરત્કારુના દેહે પણ કોઈ રાજકન્યા કે ઋષિ- કન્યાને આકર્ષી નહિ. પર્વતશૃંગ ઉપર, ડુંગરાની ગુફામાં, અરણ્યના એકાંતમાં કે વન-ઉપવનના રાફડાઓમાં બેસી આત્મા અને પરમાત્માની શોધમાં પડેલા આ યુવાન મુનિનું યૌવન પણ જર્જરિત બની રહ્યું હતું.

દેહ અને મન વાત્સલ્ય પણ માગે. જરત્કારુનાં માતાપિતા તેમની બાલ્યાવસ્થાથી જ ગુજરી ગયાં હતાં, એટલે વાત્સલ્યનું માર્દવ- પણ તેમણે નહિ જેવું જ અનુભવ્યું હતું. તેમને એક જ લગની લાગી હતી : દેહની પાછળ જઈ, દેહનું મન્થન કરી, દેહીને શોધી કાઢવો. પરંતુ હજી સુધી જરત્કારુના દેહને દેહી જડ્યો હોય એમ લાગ્યું નહિ. તપસ્વીનાં તપ અને તપસ્વીની વિકળતા આવા સંજોગોમાં વધી જાય એમાં આશ્ચર્ય નહિ.

પરંતુ માનવીના વિકાસક્રમમાં દેહનું સ્થાન હોય – દેહતંત્રને સમજી, ઓળખી, આગળ વધવાનું હોય તો દેહને ખંડણી આપ્યા વગર માનવીનો વિકાસક્રમ જરૂર અટકી જાય. પાપને રસ્તે કે પુણ્યને રસ્તે દેહને તૃપ્ત કર્યા સિવાય દેહી પાસે પહોંચવું અશક્ય બની જાય