આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮ : હીરાની ચમક
 


પત્ની મળી ન હતી. તપસ્વીની આવી બેહૂદી ઈચ્છાઓ તૃપ્ત કરવાની જગતને ફૂરસદ ન હતી. એટલે તપસ્વી જરત્કારુ એ વાતને વિસારે પાડી પોતાને તપમાર્ગે આગળ વધ્યે જતો હતો. માતાપિતાના પ્રેતની સાથે વાતચીત કરતાં જ તેને પોતાના એ સંકલ્પો યાદ આવ્યા અને લગ્ન વિષેની પોતાની બે મુશ્કેલીઓ નમ્રતાપૂર્વક પોતાની માતાપિતા આગળ જાહેર કરી.

માતાપિતાએ તેને આશીર્વાદ આપ્યા :

‘જરત્કારુ ! બેટા ! લગ્નનો તેં વિરોધ કર્યો નથી એટલું અમારે બસ છે. તારા સંકલ્પો ફળશે એવી અમને શ્રદ્ધા છે અને તારા તર્પણથી જ અમારો ઉદ્ધાર થશે એવી ખાતરી છે. હવે લગ્નજીવન માટે નવી શરત ઊભી ન કરીશ.’

જરત્કારુને પોતાની જીવનભૂલ સમજાઈ. માતા પિતાના આશીર્વાદને તેણે માથે ચઢાવ્યા, અને આત્મા પરમાત્માની ખોજ સાથે તેણે તેના જ સરખા નામવાળી અને તેના પોષણનો ભાર ઉઠાવે એવી કબૂલાત આપનારી પત્નીની ખોજ પણ શરૂ કરી દીધી.

પત્નીની ખોજ એટલે સ્ત્રીની ખોજ; અને સ્ત્રીની ખોજ એટલે સૌંદર્યની, માર્દવની નાજુકીની ખોજ. જીવનમાં કેટલીક વાર કીટ-ભ્રમરનો ન્યાય સાચો પડે છે. સ્ત્રી સૌંદર્યની શોધમાં પડેલા જરત્કારુની આંખે સૌંદર્ય જોવા માંડ્યું, માર્દવ જોવા માંડ્યું, લાલિત્ય જોવા માંડ્યું. કાળમીંઢ પહાડપથ્થર ઉપર કદી કદી ઘાસ કે વૃક્ષ જોવામાં આવતાં તે નવી પ્રફુલ્લતા અનુભવતો; ચંદ્ર અત્યાર સુધી તેને ઘાટઘૂટ વગરનો, એકાકી તેજગોલક હોય એમ લાગતો હતો. સ્ત્રીનો વિચાર કરતાં ચંદ્રની શીતળતામાં તેને સ્ત્રીસાનિધ્યની શીતળતાનું ભાન થવા લાગ્યું. ખળખળ વહેતી નદીઓ આજ સુધી તેને સ્નાનનું સાધન પૂરું પાડતી, હવે એ માત્ર સ્નાનનું સાધન મટી ગઈ. સમુદ્રને મળવા તલસતી કોઈ નારીને દેહનું તેને નદીમાં રૂપ દેખાયું. આમ તેની