આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દેહ અને દેહી : ૭૯
 


રુક્ષ આંખમાં સૌંદર્યનું અંજન અંજાઈ ચૂક્યું.

આટલું જ નહિ, તેના દેહમાં પણ તેણે કંઈક ફેરફાર થતો અનુભવ્યો. તપશ્ચર્યામાં તેણે પહેલાં દેહની કાળજી રાખી ન હતી; એ જ દેહને તેણે સ્વચ્છ અને તેજસ્વી પણ બનાવવા માંડ્યો. સ્નાન કરતાં કરતાં એણે પોતાનાં અંગઉપાંગને માલિશ કરી વધારે જાગ્રત કર્યા, પોતાની જટાને તેણે એવો પણ આકાર આપવા માંડ્યો કે જેથી તેના મુખને એ જટા દિપાવે. તેની ચાલ – વાણીની ઢબમાં પણ કંઈક નવી છટા આવવા લાગી. આમ આ સૂમડો તપસ્વી જરા બાંકો બ્રહ્મચારી બનતો હોય એમ તેને પોતાને પણ લાગ્યું. હવે તેની સામે સ્ત્રીઓએ પણ આડી આંખે અગર સીધી આંખે જોવા માંડ્યું હોય એવો તેને ભાસ થયો. વધારે નવાઈ જેવું તો તેને એ લાગ્યું કે સ્ત્રીઓની આડી, સીધી નજર તેને ગમતી હતી !

વચમાં વચમાં તે ચોંકી ઊઠતો. આત્મજ્ઞાનને માર્ગે જતાં જે જીવનમાધુર્ય તેના અનુભવમાં આવતું નહિ તે જીવનમાધુર્ય એને પત્નીની શોધમાં મળતું લાગ્યું ! આ ભ્રમ તો નહિ હોય? વિપથ લઈ જતી કોઈ જાદુઈ જાળ તો નહિ હોય ? પત્નીની ખોજમાં એના આત્માની ખોજ ભુલાઈ જશે તો? પરંતુ તે અંતે મન વાળતો કે તેનાં માતાપિતાના કલ્યાણ અર્થે આત્માની શોધમાં જરા વાર લાગે તો તે ચલાવી લેવું જોઈએ. ઘડી ઘડી તો આત્મા અને પરમાત્માને યાદ કરતો અને સાથે સાથે પોતાના જ નામધારી કોઈ યુવતી મળી આવે છે કે કેમ તેની ઝીણવટથી તપાસ પણ કરતો.

તપ કરતો, ફરતો અને તપાસ કરતો જરત્કારુ નાગપ્રદેશમાં આવી ચડ્યો. નાગપ્રદેશ એટલે વનરાજિઓનો પ્રદેશ, પહાડપર્વતનો પ્રદેશ, નદીનાળાંનો પ્રદેશ: અર્ધસંસ્કૃત, આનંદી અને મસ્ત પ્રજાનો પ્રદેશ. લોકો ઘડીમાં દેખાય અને ઘડીમાં અદૃશ્ય થઈ જાય એવો એ પ્રદેશ. એક પહાડમાં થઈને તે જતો હતો એટલામાં જ તેને કાને અવાજ પડ્યો.

‘જરત્કારુ ! જરત્કારુ !’