આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨ : હીરાની ચમક
 


રૂપનો એને એટલો ઘમંડ છે, કે તે ભૂલવવા એના જ ભાઈ વાસુકી નાગરાજે એનું નામ જરત્કારુ રાખ્યું છે, અને આખા નાગપ્રદેશે તે સ્વીકારી લીધું છે. સખીએ પુરુષ જરત્કારુને સ્ત્રી જરત્કારુની હકીકત કહી.

‘પણ, જરત્કારુ તો મારું પણ નામ છે !’ હસીને મુનિ જરત્કારુએ પોતાની હકીક્ત કહી. પોતાની ઇચ્છા અને માગણી પ્રમાણે પોતાના જ નામની યુવતી અકસ્માત મળી એ પ્રસંગ ખરેખર રમૂજી હતો. સાથે સાથે તેની પ્રતિજ્ઞાનુસાર નાગકન્યા જરાત્કારુ તેની પોતાની પત્ની થાય તો તે પણ તેને ગમે એમ હતું. આર્ય સ્ત્રીઓનાં અતિસભ્ય અને ઠાવકા મુખ કરતાં આ નાગકન્યાનું મુખ – અને દેહ જરા ય ઓછાં આકર્ષક ન હતાં. એક સમયે દેહને તુચ્છકારતા મુનિને નાગકન્યાના દેહ ઉપર ભાવ ઉત્પન્ન થયો, અને આર્ય તપસ્વીઓને સુરઅસુર અને નાગ જાતિઓમાં મળતાં માન પ્રમાણે જરત્કારુને નાગરાજ વાસુકીએ આગ્રહ કરી મહેમાન પણ બનાવ્યા.

કોઈક સમયે નાગરાજ વાસુકિને સ્વપ્ન આવ્યું હતું કે આખી નાગ કોમને કોઈ આર્યરાજા અગ્નિમાં હોમે છે, પરંતુ વાસુકિના વંશને નાગકુમારી જરત્કારુને કોઈ પુત્ર એ મેધમાંથી બચાવી લે છે ! સ્વપ્ન સાચાં પડે કે ન પડે એ વાત જુદી છે, પરંતુ પ્રત્યેક યુગ સ્વપ્નની અસરમાંથી મુક્ત રહેતો નથી. અને સાચી કે ખોટી રીતે સ્વપ્નને આગાહી તરીકે ગણ્યા વગર પણ રહેતો નથી. વાસુકિના મનમાં આ સ્વપ્ન દૃઢ થઈ ગયું હતું. એટલે કોઈ યશસ્વી આર્ય સાથે પોતાની બહેન જરત્કારુનું લગ્ન થાય એમ એ ઈચ્છતો હતો. નાગકન્યા - જરત્કારુને પોતાને આર્યો અને આર્યમુનિઓ પ્રત્યે, કોણ જાણે કેમ પક્ષપાત હતો. આર્યમુનિઓનાં અર્ધવસ્ત્રો, તેમની ઝૂંપડીઓ, તેમના અરણ્યનિવાસ અને તેમનાં તપ – નિદિધ્યાસન, નાગકન્યાને ખૂબ ગમતાં. ઘણી વાર રમતમાં અને રંજનમાં તે આર્ય ઋષિકન્યાનો વેશ પણ ધારણ કરતી, અને તે ઇચ્છતી પણ ખરી કે તેના પતિ તરીકે કોઈ તેજસ્વી અને તપસ્વી આર્યમુનિને તે પરણે.