આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દેહ અને દહીં : ૮૫
 


કદાચ હોઈ શકે. નિર્ગુણ, નિર્વિકલ્પ અને નિરાકાર બ્રહ્મ કરતાં અનેક ગુણથી ભરેલી, અનેક રંગી કલ્પનાઓના પુંજ સરખી અને સૌંદર્યના અખંડ આકાર સરખી પત્ની તેમના ધ્યાનમાં વધારે સહેલાઈથી ખેંચી જવા માંડી. વધારે નવાઈ જેવું તો એ હતું કે પર્ણકુટીને આંગણે બેઠેલી લાવણ્યમયી પત્ની પરબ્રહ્મની માફક પણ બની રહેતી હતી. ચંદ્રમાં ઘણી યે વાર નાગસુંદરીનું મુખ ચિતરાઈ રહેતું. શુક્રનો તારો ઘણી યે વાર જરાત્કારુની આંખ સ્મૃતિમાં લાવી દેતો. મંદમંદ સમીરમાં વનરાજિ હાલી ઊઠતી ત્યારે રાજકન્યાનાં મોહક વસ્ત્રો ઊડી રહ્યાં હોય એમ મુનિને લાગતું. અને વનમાં કોકિલા કૂજતી ત્યારે મુનિને એમ થતું કે નાગકન્યા કોઈ વૃક્ષની ડાળમાં સંતાઈ રહી છે.

તપ-સ્વાધ્યાયમાં પણ વચ્ચે વચ્ચે નાગકન્યાની મૂર્તિ ધ્યાનમાં આવીને ઊભી રહેતી. અને પછી તે એક સમય એવો આવ્યો કે મુનિ જરત્કારુ પત્નીનો ખોળો ભાગ્યે જ છોડતા–અલબત્ત જે તપમાં એમણે કાયા ક્ષીણ કરી નાખી હતી તે તપના ભણકારા મુનિને ઘણી વાર કહેતા કે તેનું તપ ઉપભોગમાં વહ્યું જાય છે અને પરબ્રહ્મ તરફનાં આગળ વધતાં ડગલાં એટલે અંશે પાછાં પડતાં જાય છે.

રાજકન્યા જરત્કારુના મુખમાં હવે કંઈ અવનવો ફેરફાર થયો. મુનિએ સમજી લીધુ કે પત્ની માતૃત્વમાં હવે પ્રવેશ કરી ચૂકી છે. એક દિવસ ત્રીજે પહોરે મુનિ જરાત્કારુ પત્નીના આનંદ પ્રેરિત અંકમાં મસ્તક મૂકી પોઢી ગયા. પ્રેમીને પ્રિયતમાનો અંક મળે ત્યારે યોગનિદ્રા સરખી ગાઢનિદ્રા આવી જાય છે. પત્નીને તો પતિનું શયન ઘણું ગમ્યું. પરંતુ ત્રીજો પ્રહર પૂરો થવા આવ્યો તો પણ મુનિ નિદ્રામાંથી જાગૃત થયા નહિ. સંધ્યાકાળ થવાની તૈયારી હતી. મુનિનાં તપ- ધ્યાન ઓછાં થયાં હતાં એ ખરું, પરંતુ એની ત્રિકાળ સંધ્યા હજી ચાલુ હતી, અને નાગકન્યાને પણ આર્યત્વનાં ચિહ્નો સરખી એ ત્રિકાળ સંધ્યા આવશ્યક લાગતી હતી એટલું જ નહિ, પરંતુ તેને