આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દેહ અને દેહી : ૮૭
 


પ્રાપ્તિ થયા સિવાય આ જગત ઉપર મારી દૃષ્ટિ પણ ઠરશે નહિ અને મારું અસ્તિત્વ આ ગૃહસ્થાશ્રમમાં રહી શકશે નહિ. સાયંસંધ્યા સાથે જ હું તને અને આશ્રમને છોડું છું.’

પત્નીની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યાં. પત્નીએ રુદનભર્યે સ્વરે કહ્યું :

‘મને ક્ષમા કરો ! આપને સૂવાની જ ઇચ્છા હતી અને આપને મેં ઇચ્છા વિરુદ્ધ જગાડવાનું પાપ કર્યું.’

‘તને યાદ હશે, દેવી ! કે લગ્ન પહેલાં આપણે એક શરત કરી હતી કે મારી ઈચ્છા વિરુદ્ધ તું કાંઈ પણ કરે તો મારે ચાલ્યા જવું. એમાં તારો દોષ નહિ, પરંતુ મારા જીવનનો એમાં ઉકેલ હશે. વિલાપ પણ પ્રેમ જેટલો જ બંધનકારક થઈ પડે છે. પ્રિયતમા ! પ્રેમને યાદ ન કરીશ, અશ્રુ ન પાડીશ અને મને મારે માર્ગે જવા દે. તેં જ માર્ગ સૂચવ્યો છે અને એ માર્ગની વચ્ચે તારાથી – મારી સહચરીથી અવાય જ નહિ. તારા જીવનવ્યવસાય માટે તને પુત્ર મળે છે અને પુત્ર મળતાં મારાં માતાપિતાનાં પ્રેતને પણ મુક્તિ મળશે. મને અને તને સદેહે મુક્તિ મળે એ માટે મને મારે માર્ગે જ જવા દે, જવા દે — જવા દે. કદાચ વિયોગ એ જ સાચો સંયોગ હોય.’

નાગકન્યા જરત્કારુએ અશ્રુને અટકાવી દીધાં. મુનિ જરત્કારુએ સાયંસંધ્યા કરી, પત્નીનું મુખદર્શન કરી આશ્રમ છોડ્યો. અને આર્ય બની ગયેલી નાગકન્યાએ આસ્તિક નામના પુત્રને જન્મ આપી મુનિઓને પણ પૂજ્ય એવું બ્રહ્મવાદિનીનું પદ મેળવ્યું.

નાગકન્યા આર્યોના તપને પરણી હતી, નહિ કે માત્ર દેહને !