આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૫

સુભાષિતો

સંપત્તિવાનને પ્રભુના ધામમાં પેસવા કરતાં સોયના નાકામાંથી ઊંટને [] પસાર થવું વધારે સહેલું છે.

* * *

દાંભિકનો ધર્મ કીડીઓ ગાળીને ઊંટ ગળી જવા જેવો છે: અથવા વાસણને બહારથી અજવાળીને અંદરથી ગંદું રાખવા જેવો છે : અથવા બહારથી ધોળેલી અને અંદર હાડકાં માંસથી ભરેલી કબરો જેવો છે.

અને દાંભિકો તેમના પૂર્વજોએ મારી નાંખેલા સંતોની કબરો હવે પૂજે છે, પણ પોતાના સમયના સંતોને તેમની જેમ મારી નાખે છે.

* * *

દિલ રાજી પણ માટી નબળી. []

* * *

દીવો સળગાવી કોઈ તેને ખાટલા નીચે સંતાડે નહિ, પણ બધે પ્રકશ પડે તે રીતે વચ્ચે ગોઠવે. તેમ જ્ઞાન સંતાડી રાખવાનું ન હોય.

* * *

  1. આ યુરોપિયન ભાષામાં કહેવત જેવું થઈ પડ્યું છે. પણ મેં એક ઠેકાણે વાંચ્યું છે કે, ઊંટને માટે મૂળ જે શબ્દ અહીં વપરાયો છે, તેનો અર્થ 'દોરડું' પણ થાય છે. એ વધારે બંધબેસતું લાગે છે.
  2. આ પણ એક કહેવત જેવી બનેલી ઉક્તિ છે. જ્યારે કોઈ માણસ કાંઈક પગલું ભરવા હૃદયથી ઇચ્છતો હોય, પણ મનની નબળાઈથી હિંમત ન કરી શકે, ત્યારે આમ કહેવાય.