આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સમાલોચના

હિંદુ, મુસલમાન, પારસી વગેરે ધર્મોમાં ઈશ્વરપરાયણતા, શ્રદ્ધા, ભક્તિ, તપ, સંયમ, જીવદયા વગેરેનો દુકાળ નથી. તેમાં જ્ઞાનયોગ, ભક્તિયોગ, કર્મયોગ (એટલે વર્ણાશ્રમધર્મનું પાલન અથવા અનાસક્તિપૂર્વક સાંસારિક પ્રવૃત્તિઓનું આચરણ), રાજયોગ, હઠયોગ, મંત્રયોગ, તંત્રયોગ, સંન્યાસયોગ વગેરે અનેક પ્રકારના યોગો અસ્તિત્ત્વમાં છે. એ સઘળાનું ધ્યેય તે યોગની પૂર્ણતા દ્વારા ઈશ્વરપ્રાપ્તિનું જ છે. વળી તેમનામાં ખાનગી તેમ જ સાર્વજનિક દાનધર્મથી ઊણપ નથી. પણ દુઃખી, દલિત, પતિત, ત્યક્ત તથા અબૂજ (અભણ-અજ્ઞાન) માનવોની જાતે પ્રત્યક્ષ ઐહિક સેવા બજાવી, તથા તેમને ઈશ્વરમાર્ગે વાળી તે દ્વારા ઈશ્વરની આરાધના કરવી, એવો ઈશ-માનવ-સેવાયોગ હિંદુ, મુસલમાન વગેરે ધર્મોએ ખીલવ્યો છે એમ કહી શકાય નહિ. એ તરફ તેમનું ખાસ લક્ષ જ ગયું નથી, એમ કહેવામાં તેમની નિંદા કરેલી કહી શકાય નહિ. એ ખ્રિસ્તી ધર્મની વિશેષતા છે એમ કહેવું જોઈએ.

પ્રત્યેક માણસ કે જાતિની જેમ, પ્રત્યેક ધર્મની એક એક ખાસ પ્રકૃતિ બનેલી હોય છે. મૂળ સ્થાપકથી શરૂ કરી તેના મોટા મોટા અનુયાયીઓના જીવનમાં તે બળવાનપણે દેખાઈ આવે છે. ઘણી વાર તે ધર્મનો કાંઈક અંશમાંયે સ્વીકાર કર્યા